ઘીમાં ભેળસેળ હોવાની શંકા:પાટણના ત્રણ દરવાજા સ્થિતિ ઘી બજારમાં ખાદ્ય અને ઔષધ નિયમનની રેડ, બે દુકાનોમાંથી ઘીનાં 219 ડબ્બા સીઝ કર્યા

પાટણએક મહિનો પહેલા
  • શંકાસ્પદ ઘીનાં જથ્થામાંથી નમૂના મેળવી પૃથકરણ માટે સરકારી લેબમાં મોકલાયા

પાટણ દરવાજા સ્થિત ઘી બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય ઘીમાં ભેળસેળ કરતા હોવાની ખાનગી રાહે પાટણના ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધિકારીઓને માહિતી મળી હતી. માહિતી મળતા સોમવારના રોજ પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમનની કચેરીના અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરના ત્રણ દરવાજા સ્થિત ઘી બજારના બે વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી તેમાંથી નમુના મેળવી સરકારી લેબમાં પૃથકરણ માટે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરતાં ઘી બજારમાં ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આ બાબતે પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધિકારી વિપુલભાઈ ચૌધરીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાટણ શહેરના ત્રણ દરવાજા સ્થિત ઘી બજારમાં કેટલાક ઘીના વેપારીઓ દ્વારા ખાદ્ય ઘીમા મોટાપાયે ભેળસેળ કરી લોકોના આરોગ્યને નુકસાન કરી રહ્યા છે. જે બાતમીના આધારે સોમવારના રોજ જિલ્લા ફુડ ઓફિસર વિપુલ ચૌધરી સહિત યુ.એચ. રાવલ, એમ.એમ.પટેલ સહિતની ટીમે ત્રણ દરવાજા સ્થિત ઘી બજારમાં આવેલી મેં.ઈશ્વરલાલ રસીકલાલ અને મેં.અલ્પેશકુમાર વિનોદચંદ્ર મોદીની દુકાન ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી શંકાસ્પદ ઘીના જથ્થાને સીઝ કરી તેમાંથી જરૂરી નમૂના લઇ પૃથકરણ અર્થે સરકારી લેબમાં મોકલી આપવામા આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

પાટણ શહેરના ત્રણ દરવાજા સ્થિત ઘી બજારમાં પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમનની કચેરી દ્વારા મેં.ઈશ્વરલાલ રસીકલાલ ઘી વાળાની બે અલગ-અલગ દુકાન ઉપરથી 199 ડબ્બા ઘી અંદાજીત કિ.રૂ. 5.71 લાખ અને મેં.અલ્પેશ કુમાર વિનોદચંદ્ર મોદીની દુકાન ઉપરથી ઘી ડબ્બા નંગ 20 અંદાજીત કિ. રૂ. 1.20 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...