પાલિકાની ઉતાવળમાં સ્થાનિકોને સમસ્યા:પાટણનાં રાજકાવાડા-કાલીબજારનાં રોડનાં ખાડામાં પૂરેલી માટી નજીવા વરસાદમાં ધોવાઇ ગઇ, રોડની હાલત પહેલાં કરતા વધારે ખરાબ

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્સાહભેર કામગીરી દેખાડવાની લ્હાયમાં થયેલી કામગીરી પર ‘પાણી’ ફરી વળ્યું

પાટણ શહેરનાં રાજકાવાડાનાં જૂની જનતા હોસ્પિટલથી કાલીબજાર થઇને ખાલકપરા વિસ્તારમાં તરફનાં અત્યંત ઉબડખાબડ રોડને પાટણ નગરપાલિકાએ અત્યંત ઉત્સાહ સાથે તેનું રીપેરીંગ કર્યો હતો. જેકે, આ રસ્તો બન્યાનાં ગણતરીનાં કલાકોમાં જ ધીમીધારે વરસાદ આવતાં રોડની હાલત અગાઉ કરતાં પણ બદતર થઇ છે.

સમગ્ર રોડ લપસણો બની ગયો
પાટણ નગરપાલિકાનાં વોર્ડ નં. 9 અને 10નાં સુધરાઇ સભ્યોએ સારા આશયથી આ ખરાબ રોડ પરનાં ખાડા પુરવાનું અને આ વિસ્તારની ભુર્ગભ ગટરનાં જટિલ પ્રશ્નને ઉકેલવા માટે મંગળવારે સાંજે કવાયત કરીને નગરપાલિકાનાં મજુરો પાસે ઇંટ માટીનાં રોડા નંખાવીને રોડનું પુરાણ કરતાં લોકોને સરળતા થઇ હતી. આ ખાડાઓમાં ચિકણી માટી નંખાઇ હોવાથી તે રાત્રે પડેલા ઝરમરિયા વરસાદમાં લપ્પી બની જતાં અહીં કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું. જેનાં કારણે સમગ્ર રોડ લપસણો બની ગયો હતો.

ઉતાવળે રોડનું સમારકામ કરાયું
આજે સવારે અત્રેથી પસાર થતા બાળકો અને વાહનચાલકો લપસી પડતાં ઇજાઓ પણ થઇ હોવાનું અત્રેનાં વેપારીઓ અને રહિશોએ જણાવ્યું હતું. જશ ખાટવા માડ઼ે ઉતાવળે રોડનું સમારકામ કરવાનાં કારણે નગર પાલિકા અને વોર્ડનાં સભ્યોનો ગઇકાલનો પ્રચંડ ઉત્સાહ આજે આ કાદવ કિચ્ચડની કારણે “લપસી’ ગયો હતો અને લોકોની ટિકાઓનો ભોગ બની ગયો હતો. આ રોડને ટ્રીમિક્ષ સી.સી. રોડ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની છે ને તેલગભગ ચોમાસા પછી તેનું કામ થવાનું પરંતુ અત્યારે લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી કરાયેલી કામગીરી ઉપર વરસાદનાં નજીવા છાંટણાઓએ “કંસારથી થુલી’’ કરી નાંખી હતી.

અન્ય સમાચારો પણ છે...