પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં નગરપાલિકા કેમ્પસમાં નજીક આવેલી જુની ભદ્ર કોર્ટનું સવાસો વર્ષ જૂનું અને હેરિટેજ જેવું બિલ્ડીંગ આગામી થોડાક દિવસમાં ઇતિહાસ બની જશે. આ બિલ્ડીંગને જમીનદોસ્ત કરીને તેનાં સ્થાને પાટણ જિલ્લા ચેરીટી કમિશ્નરની કચેરીનું બિલ્ડીંગ બનવાનું છે. આ બિલ્ડીંગની માપણી કરવા માટે આવેલા અધિકારીઓ તેને ખૂંટ મારે તે પૂર્વે બિલ્ડીંગનું નિરીક્ષણ કરીને તેમાં પડેલો પાટણ નગરપાલિકાનો કેટલોક સામાન ખસેડી લેવા માટેની લેખિત સુચના આપી છે.
પાટણ નગરપાલિકની બાજુમાં આવેલી જુની ભદ્ર કોર્ટનું મકાન જર્જરીત બની ગયું હતું. આ કોર્ટ અને તેની ફરતેની કુલે 3400 વારની જમીન અને બિલ્ડીંગ કડમ થઈ જતાં તેનાં સ્થાને ચેરીટી કમિશ્નરને તેની ફાળવણી કરાતાં અને તાજેતરમાં વિડીયો કોન્ફરન્સીંગનાં માધ્યમથી નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.
આ કેમ્પસમાં કોર્ટનાં જર્જરીત ક્વાટર્સ પણ છે.આ સ્થળે ચેરીટી કમિશ્નરની કચેરી આકાર લેવાની હોવાથી કચેરી દ્વારા બે ત્રણ દિવસ પૂર્વે તેની માપણી કરીને તેને ખૂંટ મારવા માટે અધિકારીઓ આવ્યાં હતા. ત્યારે આ જુના બિલ્ડીંગમાં પાટણ નગરપાલિકા હસ્તકનો સામાન જેવો કે, ગટરોનાં ઢાંકણા, પતરાં તથા બાંધકામ વિભાગનો સામાન, ભંગાર વગેરે પડ્યો છે. જેને હટાવીને બિલ્ડીંગ ખાલી કરવા માટે ચેરીટી કમિશ્નરની પાટણની કચેરીએ પાટણ નગરપાલિકાને પત્ર દ્વારા જાણ કરી હતી.
આ સામાન ખસેડવા માટે નગરપાલિકાનાં કેમ્પસમાં આવેલા ચાર જર્જરીત બ્લોકને તોડી પાડીને ત્યાં જગ્યા ખુલ્લી કરાઇ હતી. અત્રે નોંધનીય છે કે, પાટણનાં ભદ્ર વિસ્તારની વિવિધ કચેરીઓનું સ્થળાંતર અન્યત્ર થતાં આ વિસ્તારમાં ખાલીપો પેદા થયો હતો. પરંતુ આ ચેરીટી કમિશ્નરની કચેરી અહીં અપાતાં આ વિસ્તારમાં હવે પુનઃ વધુ એક કચેરી આવતાં ભરચક વિસ્તાર બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.