ડિગ્રી વગરના ડોક્ટરના જામીન મંજૂર:પાટણનાં બહુચર્ચિત ડૉ. યોગેશ પટેલને પુત્રની ચૌલક્રિયા અને ગરબા માટે 10 દિવસનાં વચગાળાનાં જામીન મળ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણમાં ડિગ્રી ન હોવા છતાં પ્રસિદ્ધ કેર એન્ડ ક્રિટિકલ આઈ સી યુ હોસ્પિટલમાં એમ.ડી. મેડિસીન ફિઝિશીયનની પ્રેકટીસ કરવાનાં કેસમાં પોલીસમાં જાતે હાજર થયેલા ડૉ. યોગેશકુમાર ભરતભાઇ પટેલ રે. મૂળ અમદાવાદ વાળાઓ હાલમાં જેલમાં છે. તેઓએ પોતાનાં દિકરાની ચૌલક્રિયા (બાબરી) અને ફુલોનાં ગરબાનાં બે અલગ અલગ દિવસે ધાર્મિક પ્રસંગો પરિવારમાં યોજનાર હોવાથી એક પિતા તરીકે તેમની હાજરી જરૂરી હોવાનું કારણ આગળ ધરી અને તે પ્રસંગની કંકોત્રી તથા આ પ્રસંગો માટે યાત્રાધામ બહુચરાજીમાં બુક કરાવેલી વાડીનાં સ્થળની પાવતી પાટણની સેસન્સ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસનાં વચગાળાનાં જામીનની માંગણી કરતાં સેસન્સ જજ જે.જી. શાહે 10 દિવસનાં એટલે કે, તા. 22-10-22થી તા. 31-10-22 સુધીના રૂા.15 હજાર વચગાળાનાં જામીન પર મુકત કરવાનો આદેશ આપ્યો છે. તથા રૂા. એક લાખની રકમ સિક્યોરીટી તરીકે કોર્ટમાં જમા કરાવવા જણાવ્યું છે ને જામીન પુરા થાય ત્યારે તેઓ સમયસર જેલમાં હાજર થાય તે વખતે તેઓ આ સિકયોરિટીની રકમ કોર્ટમાંથી પાછી મેળવી શકશે તેવો હુકમ પાટણની કોર્ટે કર્યો હતો.

પાટણમાં જુના બસ સ્ટેન્ડ નજીક એક કોમ્પ્લેક્ષમાં હોસ્પિટલ ચલાવતા ડૉ. યોગેશ પટેલ સામે પાટણનાં તાલુકા હેલ્થ ઓફિસરે નોંધાવેલી ફરીયાદ અનુસંધાને તેઓ તા. 12-8-22નાં રોજ સ્વૈચ્છાએ પોલીસમાં હાજર થયા હતાં. તેમની સામે તા. 15-6-22નાં રોજ ફરીયાદ નોંધાઇ હતી.

આ પહેલાં તેઓએ મુકેલી આગોતરા જામીન અરજી પાટણની સેસન્સ કોર્ટે નામંજૂર કરતાં તેઓએ હાઇકોર્ટમાં પણ અરજી કરતાં તેઓએ તેને પાછી ખેંચી હતી. ડૉ. યોગેશ પટેલનાં પુત્રની તા. 24 મીએ ફૂલનાં ગરબા અને તા.30 મીએ પુત્રની ચૌલક્રિયાનાં ધાર્મિક પ્રસંગોમાં પોતે પિતા તરીકે હાજરી જરૂરી હોવાથી તેમણે પોતાનાં વકીલ એચ.એન. પટેલ મારફત મૂકેલી વચગાળાની જામીન અરજી પાટણ કોર્ટે મંજૂર કરી હતી ને 10 દિવસનાં જામીન મંજૂર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...