ઉદ્ઘાટનની તૈયારીઓ:પાટણના દ્વારકાધિશ મંદિરમાં નવીનીકરણ થયેલ ‘શ્રી વલ્લભદ્વાર’-ગૌશાળા સહિતના ઉદ્ઘાટન થશે

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણના તૃતિય પીઠાધિશ્વર શ્રી દ્વારકાધિશ મંદિરના મુખ્યપ્રવેશ દ્વારને નવીનીકરણ કરી સુંદર ઓપ આપી તેનું શ્રી વલ્લભ દ્વાર નામકરણ કરાયેલ છે. આ મંદિરમાં આવેલ ગૌ શાળાનું પણ નવીનીકરણ કરી એક આદર્શ સુંદર ગૌશાળા તૈયાર કરાઇ છે, સાથે મંદિરમાં બે સિંહોની પ્રતિમા સ્થાપિત કરાશે.

શ્રી તૃતીય પીઠાધિશ્વર બ્રહ્મર્ષિ કાંકરોલી નરેશ પ.પૂ.ગો.શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીની પ્રેરણા એવં આશિર્વાદથી નવો બનેલ શ્રી વલ્લભ દ્વાર, નવીનીકરણ થયેલ ગૌશાળા અને સિંહ સ્થાપનનો ઉદ્ઘાટન, અર્પણવિધિનો કાર્યક્રમ આગામી તા.28,29 જાન્યુઆરીના રોજ એમ બે દિવસ દ્વારકાધિશ મંદિર પાટણ ખાતે ભવ્ય રીતે યોજવામાં આવનાર છે.

આ પ્રસંગે કાંકરોલી યુવરાજ પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજી યુગલ સ્વરૂપે, કાંકરોલી રાજકુમાર પ.પૂ.ગો.શ્રી 108 શ્રી વેદાંત રાજાજી તથા પ.પૂ.ગો. શ્રી સિધ્ધાંત રાજાજીની ઉપસ્થિતિ વચ્ચે- ઉદ્ઘાટન સહિત મંદિરમાં વિવિધ મનોરથો, સંગીત-સંધ્યા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. તા. 28 જાન્યુઆરીએ શ્રી વલ્લભ ગૌશાળા નવિનીકરણ, સિંહ સ્થાપનના ઉદ્ઘાટન કાર્યક્રમ ઉપરાંત આ પ્રસંગે નંદોત્સવ, કેસરસ્નાન, વચનામૃત, સન્માન સમારંભ, લગ્નોનો મનોરથ, સંગીત-સંધ્યા સહિત બીજા દિવસે 29 જાન્યુઆરીએ બ્રહ્મસંબંધ, કુનવારો, શોભાયાત્રા સહિત ગૌચારણનો મનોરથ દર્શનના ભવ્ય કાર્યક્રમો યોજાશે.

‘શ્રી વલ્લભ દ્વાર’ અને બંને દિવસના બધા જ મનોરથના મનોરથી તરીકે અમેરિકા વસતા પાટણના વતની તરલા જીતેન્દ્ર પરીખ, ડૉ. મીના ઓઝા, શીલા વિરેશ ગાંધી, રીટા રશ્મિકાંત તલાટીએ લાભ લીધેલ છે. જ્યારે ગૌશાળા નવિનીકરણના મનોરથી તરીકે ડૉ. મીના ઓઝા (યુ.એસ.એ.),આશાબેન ધીરનેભાઇ પરીખ સહિત પાટણના વૈષ્ણવ સૃષ્ટિએ રહેશે. મંદિરમાં સિંહ નંગ-2ના મનોરથી તરીકે સુહાસકુમાર નવનીતલાલ સોની પરીવાર (મુંબઈ) તથા એન.કે. સોની પરીવાર પાટણે લાભ લીધેલ છે. બે દિવસના આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટી કૌશિકભાઇ સોની, અજયભાઇ પરીખ, હરેશભાઇ ગાંધી, ચિનુભાઈ સોની, જસુભાઇ પટેલ સહિત કમિટીના સભ્યો ભારે જહેમત ઉઠાવી, તૈયારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...