ઐતિહાસિક વારસો:વાડા, પાડા અને પોળોનું શહેર પાટણ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શાહનો પાડો - Divya Bhaskar
શાહનો પાડો
  • ‘પાડો’ શબ્દ સંસ્કૃત ‘પાટક’ પરથી અને વાડો શબ્દ સંસ્કૃત ‘વાટક’ પરથી આવેલો છે
  • જૂના અમદાવાદમાં પણ પાટણ શહેરની જેમ વાડા, પાડા, પોળો, શેરી-મહોલ્લા કલ્ચર જોવા મળે છે

પાટણના મહોલ્લા-વાડા, પાડા, પોળ, શેરી, ખડકી કે માઢના નામથી ઓળખાય છે. ‘પાડો’ શબ્દ સંસ્કૃત ‘પાટક’ પરથી અને વાડો શબ્દ સંસ્કૃત ‘વાટક’ ઉપરથી આવેલો છે. પાટકનો અર્થ ગામનો એક ભાગ છે અને વાટકનો અર્થ વાડવાળી જમીન થાય છે. જ્યારે પાટણ વસ્યું હશે ત્યારે જુદા જુદા લોકસમૂહને જમીનના પ્લોટ આપેલા તે ‘પાટક’ કહેવાતા હશે. તેમાં વાડ બાંધીને તેના પેટા ટૂકડા પાડેલા તે વાટક કહેવાતા હશે. પાછળથી આ પાટક અને વાટકનું અપભ્રંશ થઈ પાડા ને વાડા થયું હશે.

ઉલ્લેખનીય છે કે, જૂના અમદાવાદમાં પણ પાટણ શહેરની જેમ વાડા, પાડા, પોળો, શેરી-મહોલ્લા કલ્ચર જોવા મળે છે. તેનું કારણ પાટણ પછી અમદાવાદ વસ્યું હોવાનું ઇતિહાસવિદો પણ માને છે.

કુંભારીયા પાડો
કુંભારીયા પાડો

જ્ઞાતિ આધારિત મહોલ્લા
પાટણમાં કેટલાક મહોલ્લા અને પોળોનાં નામ અમુક જ્ઞાતિ ઉપરથી પડેલા જોવા મળે છે. બ્રાહ્મણવાડો, ઘાંચીની શેરી, ભાટિયાવાડો, ગોલવાડ, નાગરવાડો, ગુર્જરવાડો, કંપાણીવાડો, રંગરેજનો મહોલ્લો, ટાંક (રાજપૂતની અટક) વાડો, લખિયારવાડો, દિશાવળની ખડકી, બારોટવાસ, વણકરવાસ, મુલ્લાવાડ, સોનીવાડો, લુહારચાલ, ઠાકોરવાસ, ખત્રીનો મહોલ્લો, ગાંધીની ખડકી વગેરે.

ધાર્મિક મહત્વ ધરાવતા મહોલ્લા
અમુક મહોલ્લાનાં નામો દેવદેવીનું મંદિર કે જિનાલય આવેલું હોય એના પરથી પણ પડ્યાં છે. રધુનાથજીનો પાડો, નારણજીનો પાડો, મહાલક્ષ્મીનો પાડો, બહુચરાજીનો પાડો, ગિરધારી પાડો, પાનશ્યામજીનો પાડો, ઋષિકૃષ્ણનો પાડો, વાયુદેવતાની પોળ, વાઘવાણી માતાનો પાડો, ખેતરપાળનો પાડો, વહેરાઈ ચકલો, લોટેશ્વર ચૉક, શાંતિનાથની પોળ, પંચાસરા મહોલ્લો, ગણપતિની પોળ, મહાદેવનો વાડો ઈત્યાદિ.

અટકવાળા મહોલ્લા
પંચોલી વાડો, દવેનો પાડો, શાહનો પાડો - શાહવાડી, મહેતાનો પાડો, ઝાનો પાડો, મોદીની ખડકી, રંગરેજની ખડકી, ખોખાની ખડકી, ચિતારાની ખડકી, કંદોઈની ખડકી વગેરે.

વ્યક્તિ વિશેષ મહોલ્લા
કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓના નામ પરથી કેટલાક મહોલ્લાના નામો પડ્યા છે. કનાશાનો પાડો. અર્થાત્ કનૈયાલાલ શાહનો મહોલ્લો. ગોદડનો પાડો અર્થાત્ ગોદડ શેઠનો પાડો. લાલા પટેલનો માઢ, ભાભાનો પાડો, રામલાલ મોદીની ખડકી, ભાલણ કવિની ખડકી, કોકાનો પાડો, માંકા મહેતાનો પાડો, ડંખ મહેતાના પાડા તરીકે ઓળખાય છે. કપુર મહેતાનો પાડો, ભલીવૈદ્યનો પાડો વગેરે વ્યક્તિ વિશેષ મહોલ્લાના નામ છે.

આકાર દર્શાવતા વિસ્તાર
કેટલાક મહોલ્લાના અને શેરીઓનાં નામો તેના આકાર પ્રકાર પરથી પડેલાં જણાય છે. સાંકડી શેરી, ઉંચી શેરી, ઢાલની પોળ, ઉંચી પોળ, ત્રિશેરિયું અર્થાત્ ત્રણ શેરીનો ત્રિભેટો, વચલી શેરી, ઝાંપાની ખડકી વગેરે.

વૃક્ષ નામધારી મહોલ્લા
કેટલાક મહોલ્લાને પોળોના નામો ઝાડના નામ સાથે જોડાયેલાં છે. આંબલીની પોળ, વરખડીની પોળ, ખીજડાનો પાડો, ખજૂરીની પોળ, લીંમડીનો પાડો, પીપળા શેરી, ગુંદીની પોળ, પડી ગુંદીનો પાડો, પેંપરિયા વાસ, વડવાળો ખાંચો.

વેપાર વાણિજ્ય નામો
વેપારીઓ જે ચીજવસ્તુનો વેપાર કરતા હોય તે પરથી આવેલા નામોમાં ફોફળિયાવાડો- ફોફળ એટલે સોપારીના વેપારી. દોશીવાડો-દોશી એટલે કાપડિયા. સુખડીવટ-કંદોઈઓ, દોશીવટ, ઘીઆનો પાડો, દાળિયાનો પાડો- દાળના વેપારી, કપાસીપાડો, સરૈયાવાડો, મણિયાતી પાડો- હાથી-દાંતના વેપારી. કુંભારિયા પાડો. ચોખાવટીઓનો પાડો. દરજીની શેરી, કટકિયાવાડો-લશ્કરનો સરંજામ વેચતા કટકિયા. ઝવેરીવાડો, સુતરસાંત.

અન્ય સમાચારો પણ છે...