સુવિધામાં વધારો:પાટણથી-સાબરમતી વચ્ચે ડેમુ ટ્રેનનો પ્રારંભ, સ્થાનિક વેપારીઓ અને રેલવે સ્ટાફે ફૂલહાર કરી ટ્રેનને પ્રસ્થાન કરાવી

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન 95 કીલોમીટરની ઝડપે પાટણ-સાબરમતી વચ્ચે દોડશે.

રેલવેની સલામત મુસાફરી કરતા પાટણવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. વૈશ્વિક મહામારીના બે વર્ષના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવેલી સાબરમતી – પાટણ ડેમુ ટ્રેન આજે પુનઃ પ્રસ્થાન પામતા પાટણવાસીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.બુધવારે પાટણ રેલ્વે સ્ટેશન પર પાટણથી સાબરમતી ડેમુ ટ્રેનને સ્થાનીક વેપારીઓ સહિત રેલ્વે સ્ટાફ દ્વારા ફુલહાર કરી ડેમુ ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

પાટણ-કાંસા ભીલડી રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર અને વીજળીકરણ કરાયું
પાટણ-કાંસા ભીલડી રેલ્વેલાઇનનું બ્રોડગેજમાં રુપાંતર થયા બાદ તાજેતરમાં જ તેનું વીજળીકરણનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યુ હતું. ત્યારે આ બ્રોડગેજ રેલ્વેલાઇન પર મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજસ્થાનના જોધપુર-અજમેર અને જયપુર જેવા મહાનગરો ખાતેથી સુપર મેઇલ એકસપ્રેસ ટ્રેનોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે પાટણ કાંસા ભીલડી રેલ્વેલાઇન પર ગુડઝ ટ્રેનોના ઘસારાને લઇ પાટણનું સ્ટેશન ધમધમતું બન્યું છે.

પાટણ-સાબરમતી ડેમુ ટ્રેન કોરોનાના કારણે બંધ કરી હતી
વૈશ્વિક મહામારીના બે વર્ષના સમયગાળા દરમ્યાન વિવિધ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. જેમાં સાબરમતીથી પાટણ આવતી ડેમુ ટ્રેનને પણ બંધ કરી દેવામાં આવી હતી. જેને લઇ રેલ્વે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે વૈશ્વિક મહામારી નિયંત્રણમાં આવતા અમદાવાદ પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા પાટણથી અમદાવાદ સવારે 6 કલાકે ઉપડતી ડેમુ ટ્રેનની શરુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભગતકોઠી સાબરમતી – ભગતકોઠી બાંદ્રા, જોધપુર-રણુંજા, અને મહેસાણ વિરામગામ જેવી ટ્રેનો પણ કાર્યરત કરાઇ છે. ત્યારે મુસાફરો અને પાટણવાસીઓની રજુઆતને ધ્યાને રાખી રેલ્વે વિભાગ દ્વારા આજથી સાબરમતી ડેમુ ટ્રેનને પુનઃ શરુ કરવામાં આવી છે. ત્યારે રેલ્વે વિસ્તારના સ્થાનીક વેપારીઓ દ્વારા ડેમુટ્રેનને ફુલહારથી વધાવવામાં આવી હતી.

પાટણ-સાબરમતી ડેમુ ટ્રેનનું ટાઈમ ટેબલ
પાટણથી સાબરમતી જતી આ ડેમુ ટ્રેન બપોરે 12-10 કલાકે પ્રસ્થાન પામી 20.25 કલાકે સાબરમતી પહોંચશે. આજે મોટી સંખ્યામાં મુસાફરોએ ડેમુટ્રેનમાં મુસાફરીનો લાભ લીધો હતો. તો આ ડેમુ ટ્રેન બીજા દિવસે સાબરમતીથી સવારે 9-15 કલાકે ઉપડશે જે ટ્રેન 11-30 કલાકે પાટણ આવશે.આ ટ્રેનમાં 12 કોચની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે ટ્રેન 95 કીલોમીટરની ઝડપે પાટણ સાબરમતી વચ્ચે દોડાવવામાં આવી રહી છે.આમ પાટણવાસીઓને અમદાવાદ જવા માટે ભગતકોઠી-સાબરમતી સહિતની 3 ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ થતાં રેલ્વે મુસાફરોમાં આનંદની લાગણી છવાઇ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...