આંદોલન ઉગ્ર બનવાના એંધાણ:પોલીસ ગ્રેડ પે મામલે મહેસાણા અને પાટણમાં ચક્કાજામ કરાયો, ગ્રેડ પે મામલે કમિટીની રચના કરવાની જાહેરાત કરવામા આવી

પાટણએક મહિનો પહેલા
  • પાટણમાં ડીવાયએસપીના વર્તનના વિરોધમાં પોલીસ જવાનોએ ધરણા યોજ્યા
  • પોલીસ પરિવારની મહિલાઓની રેલી મામલે કર્મચારીઓની સામે એકશન લેવાની તજવીજ હાથ ધરાતા નારાજગી
  • કેટલાક પોલીસ કર્મચારીઓએ રેલી માટે મહિલાઓને ઉશ્કેરી હોવાની શંકા વ્યક્ત કરાતાં મામલો ગરમાયો

પોલીસ ગ્રેડ પે મામલે છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહેલું આંદોલન હવે રસ્તા પર આવી ગયું છે. આજે પોલીસ પરિવારો દ્વારા ધરણા યોજાયા બાદ મોડી સાંજે મહેસાણા અને પાટણમાં ચક્કાજામ કરી માગને બુલંદ બનાવવામા આવી હતી. તો બીજી તરફ પોલીસ પરિવારના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી. જેમાં ગ્રેડ પે મામલે કમિટીની રચના કરવાની હૈયાધારણા આપવામા આવી છે.

પાટણમાં ડીવાયએસપીના વર્તનના વિરોધમાં ધરણા
પાટણ શહેરમાં મંગળવારના રોજ પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓને લઈ પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા રેલી કાઢીને વિરોધ કરવામા આવ્યો હતો. જે મામલે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કેટલાક પોલીસ કર્મચારીઓને તેમના દ્વારા મહિલાઓને ઉશ્કેરવામાં આવી હોવાની શંકાને લઈ તેમના જવાબો લખવા માટે ડીવાયએસપી ઓફીસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેના કારણે પોલીસ કર્મચારીઓમાં ભારે વિરોધ સાથે રોષ જોવા મળ્યો હતો. તેમજ 50 થી વધુ પોલીસ કર્મચારીઓ ડીવાયએસપી ઓફિસના મુખ્ય ગેટ વચ્ચે જ તેમના જવાબો લેવાની કાર્યવાહી સામે પોતાનો વિરોધ નોંધાવતા પોલીસ બેડામાં હંગામો મચી જવા પામ્યો હતો.ત્યારબાદ સિદ્ધપુર ડીવાયએસપી સી.એલ.સોલંકીને આ બાબતની જાણ થતાં તેઓ ડી એસ પી ઓફીસ ખાતે આવી પહોંચ્યા હતા અને પોલીસ કર્મચારીઓની રજૂઆતો સાંભળી હતી. ત્યારે પોલીસ કર્મચારીઓએ 'હમારી માંગે પૂરી કરો', 'વંદે માતરમ' 'ભારત માતા કઈ જય'ના નારા લગાવ્યા હતા.

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પણ ગંભીરતા સમજી ભુજ થી સીધાં એસ પી ઓફિસે આવી પોલીસ કર્મચારીઓ ની રજુઆત સાંભળી હતી જેમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા નાં એક ડીવાયએસપી હેડ ક્વાર્ટરે તેમને ઓફિસે બોલાવી તેઓની સામે તેઓનાં પરિવારજનો સામે અસભ્ય વર્તન કર્યું હોય તેમને માફી માંગવા માટે બોલાવવાની રજુઆત કરી હતી. ત્યારે એસ પી એ તેમની આ રજુઆત ડી જી ઓફીસ સુધી પહોંચાડવા નું અશ્વાસશન આપતા પોલીસ કર્મચારીઓ એ તેમના ધરણા સમેટી જિલ્લા પોલીસ વડા નાં આદેશને માન આપ્યું હતું.

પાટણમાં ધરણા પૂરા કર્યા બાદ ચક્કાજામ કરાયો
પાટણમાં એસપીની સમજાવટ બાદ પોલીસ જવાનો અને તેમના પરિવારજનો ધરણા પૂરા કર્યા હતા. પરંતુ, ત્યારબાદ ફરી રાત્રિના સમયે સિદ્ધપુર ચોકડી પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામા આવ્યો હતો. ગ્રેડ પે સહિત ની માંગણીઓ ના મુદ્દે સિદ્ધિપુર ચોકડી પર રસ્તા વચ્ચેજ બેસી જઈ ને સૂત્રો પોકારી રસ્તો ચક્કાજામ કરી દીધો હતો. ત્યારબાદ ડી વાય એસ પી સોલંકી એ આવી ને સમજાવી ને તમામને રસ્તા વચ્ચે થી ઉભા થઇ જવા સમજાવતા તમામ ઉભા થઇ ગયા હતા .ત્યારે આ સમયે રાજકીય કાર્યકરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

મહેસાણામાં ગ્રેડ પે મામલે ચક્કાજામ કરાયો
મહેસાણામાં પોલીસના ગ્રેડ પે મામલે 50 જેટલા યુવકોએ પોલીસના સમર્થનમાં મહેસાણા બાયપાસ પાસે ચક્કાજામ કર્યો હતો.મહેસાણાના 50 જેટલા યુવકો ગ્રેડ પે મામલે પોલીસ ના સમર્થન માં મહેસાણા બાયપાસ પર આવેલ ડી માર્ટ પાસે આવેલ સર્કલ પર રોડ પર ઉતરી ગયા હતા જોકે 50 જેટલા યુવકો પર પર વ્હાનો રોકી હાઇવે બ્લોક કરી વિરોધ નોંધાવ્યો હતો જોકે 20 મિનિટ સુધી હાઇવે બ્લોક કરતા વાહનો ની લાંબી લાઈનો લાગી હતી જોકે બાદમાં યુવકો એ હાઇવે ખોલી દીધો હતો.

પોલીસ પરિવારના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક યોજી
પોલીસ ગ્રેડ પે મામલે આંદોલનના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોડી સાંજે પોલીસ પરિવારના સભ્યોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓની માગણીઓ મુદ્દે ચર્ચા કરવામા આવી હતી. સરકાર દ્વારા ગ્રેડ પે મુદ્દે કમિટીની રચના કરવાની જાહેરાત કરવામા આવી છે.

​​​​​​ ​

અન્ય સમાચારો પણ છે...