નગરપાલિકા કાર્યવાહી કરશે:પાટણ પાલિકા સોમવારથી ટ્રાફિકને અડચણરૂપ લારી અને ગલ્લા હટાવશે

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યવાહી કરવા તમામ વોર્ડ ઈન્સપેક્ટરને સૂચના અપાઈ
  • લારી-ગલ્લા મૂકી ભાડું વસૂલતા લોકો સામે નગરપાલિકા કાર્યવાહી કરશે

પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા શહેરમાં મેઈન બજાર અને અન્ય માર્ગો ઉપર આડેધડ ઉભા રહેતાં લારી ગલ્લા સામે સોમવારથી કડક કાર્યવાહી કરવા તમામ વોર્ડ ઇન્સ્પેક્ટરોને પાલિકા સત્તાધીશો દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે લોકોની અવર-જવર વધી રહી છે જેના કારણે ભીડભાડ ના દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે માર્ગો ખુલ્લા રહે અને ટ્રાફિકને અડચણ ન થાય કે માટે આડેધડ ગોઠવાતી અને ગેરકાયદે ભાડું વસુલ કરતી લારીઓ સામે કાર્યવાહી કરવામાં આવનાર છે.

નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે શહેરમાં નગરપાલિકાને જગ્યા પર કેટલાક લોકો લારી ગલ્લા ગોઠવીને બીજી વ્યક્તિને ભાડે આપી તેનું ભાડું વસૂલ કરતા હોય છે તેવી હકીકત નગરપાલિકાના ધ્યાનમાં આવી છે વળી આવા લારી ગલ્લા અડચણરૂપ રીતે રાખવામાં આવેલા હોય છે મુખ્ય બજારમાં ટ્રાફિક માટે દોરવામાં આવેલા સફેદ પટ્ટા ની બહાર ઉભા રહેતા હોય છે

આ બધી પરિસ્થિતિ ધ્યાને લેતા તમામ વોર્ડ ઇન્સ્પેક્ટરોને તેમના વિસ્તારમાં આવા કેટલા લારી-ગલ્લા છે તે શોધી કાઢવા અને તેના માલિકને સોમવાર સુધીમાં ઉઠાવી લેવા સૂચના આપવામાં આવી છે જો જે તે માલિકો તેમની મેળે લારી-ગલ્લા હટાવશે નહીં તો નગરપાલિકા દ્વારા તેને ઉઠાવી લેવામાં આવશે .શહેરમાં વિવિધ માર્ગોઉપર જર્જરિત વાહનો પણ પડેલા હોય છે તેવા વાહનો પણ પાલિકા દ્વારા હટાવી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...