નિર્ણય:પાટણ નગરપાલિકા 18 વર્ષ બાદ કરવેરા બમણા વસુલશે

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની સામાન્ય સભામાં પાણી, સ્વચ્છતા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટલાઈટ સહિતની તમામ સેવાઓના વેરા બમણા કરવાનો નિર્ણય લેવાયો
 • ​​​​​​​સામાન્ય સભામાં અંદાજે રૂપિયા બે કરોડના વિકાસના કામો નક્કી કરવા માટે પ્રમુખ, કારોબારી ચેરમેન અને જે તે શાખાના ચેરમેનને સત્તા સોંપાઈ

પાટણ શહેરમાં નગરપાલિકા હસ્તકની પાણી,સફાઈ સ્વચ્છતા ,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ વગેરે સેવાઓ ખોટમાં ચાલી રહી હોવાથી તેને સ્વનિર્ભર કરવા માટે તમામ સેવાના વેરા બમણા કરવાનો મહત્વનો નિર્ણય મંગળવારે યોજાયેલી નગરપાલિકાની સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો. 18 વર્ષ પછી આ વધારો સૂચિત કરવામાં આવ્યો છે.સામાન્ય સભામાં અંદાજે રૂપિયા બે કરોડના વિકાસના કામો નક્કી કરવા માટે પ્રમુખ કારોબારી ચેરમેન અને જે તે શાખાના ચેરમેનને સત્તા આપવામાં આવી હતી. બેઠકમાં શહેરમાં થતાં ખાનગી બાંધકામોની ચકાસણી કરીને ગેરકાયદેસર કામગીરી થતી અટકાવવા સભ્યો દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું.

નગરપાલિકાના અંદાજપત્ર વખતે દર વર્ષે લોકોને આપવામાં આવતી સુવિધા માટે વસૂલવામાં આવતો કર ઓછો હોવાથી શાખાઓની સેવાઓ નગરપાલિકાની તિજોરીમાં ઘાટો પાડતી હોવાથી વેરા વધારવા માટે શાખાઓ દ્વારા સૂચન કરવામાં આવતું હતું પરંતુ લોકોને બોજ ન વધારવા માટે આ સૂચન ટાળી દેવામાં આવતું હતું પરંતુ મંગળવારે આખરે કરવેરા બમણા કરવા વિરોધ પક્ષના વાંધા સાથે નિર્ણય કરાયો હતો .હવે નગરપાલિકા દ્વારા આ ઠરાવ આધારે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં દરખાસ્ત મંજૂરી માટે મોકલવામાં આવશે.ત્યાથી મંજૂરી મળ્યા પછી એનો અમલ શરૂ કરવામાં આવશે .

આ કરવેરા વધારાની ચર્ચામાં સભ્યો શૈલેષ પટેલ, મનોજ પટેલ ,ડો. નરેશ દવે વગેરેએ ભાગ લીધો હતો. સભ્ય મુકેશ પટેલે પાણી બે ના બદલે એક ટાઈમ આપવા સૂચન કર્યું હતું પરંતુ તેને ગ્રાહ્ય રાખવામાં આવ્યું નહોતું .અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકામાં કોંગ્રેસની બોડી હતી તે વખતે વખતે કરવેરા નાબૂદ કરવા સામાન્ય સભામાં મુદ્દો લાવવામાં આવ્યો હતો પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યો હતો.સામાન્ય સભામાં 99 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેની ચર્ચામાં પ્રમુખસ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, પક્ષના નેતા દેવચંદ પટેલ ,હરેશ મોદી, ચીફ ઓફિસર સંદીપ પટેલ અધિકારીઓ કિર્તીભાઈ પટેલ મોનીલ પટેલે ભાગ લીધો હતો.

કરવેરા હવે કેટલા થશે

 • પાણી વેરો રહેણાંક જોડાણમાં રૂ. 600 લેવાય છે તેના બદલે રૂ. 1,200 અને કોમર્શિયલ જોડાણમાં રૂ. 1800 ના બદલે રૂ. 3,600 કરાશે.
 • ભૂગર્ભ ગટર વેરો રૂ. 300ના બદલે રૂ.600 કરાશે.
 • સફાઈ વેરો રૂ. 100 ના બદલે રૂ. 200 કરાશે.
 • સ્ટ્રીટ લાઈટ વેરો રૂ. 50 ના બદલે રૂ. 100 કરાશે.
 • ઉપરાંત ભૂગર્ભ ગટર સેવામાં એ,બી,સી ત્રણ અલગ અલગ જોન છે તેને એક જ કરીને તે પ્રમાણે વેરો એક સરખો લેવામાં આવશે .
 • પાણીના જોડાણોમાં અલગ અલગ સાઈઝની પાઇપના અલગ અલગ વેરાના દર હોય છે તે પણ બમણા કરી દેવામાં આવશે તેમ ડો. નરેશ દવે જણાવ્યું હતું

શહેરમાં બાધકામોની એન્જિનિયર દ્વારા ચકાસણી કરાશે
સામાન્ય સભામાં ગેરકાયદેસર દબાણોનો મુદ્દો સભ્ય મનોજ પટેલ અને મુકેશ પટેલે રજૂ કર્યો હતો. આડેધડ બાંધકામો થવાના કારણે રસ્તા સાંકડા બની રહ્યા છે અને ટ્રાફિકમાં અડચણ ઊભી થઈ રહી છે ત્યારે ઓનલાઈન રજા ચિઠ્ઠી લીધા પછી શરૂ થતા ખાનગી બાંધકામોનું નગરપાલિકાના એન્જિનિયર દ્વારા દર ત્રણ મહિને ચકાસણી કરવા અને ગેરકાયદેસર હોય તો તોડી પાડવા પાલિકા તંત્રને સૂચિત કરવામાં આવ્યું હતું.

સામાન્ય સભામાં લેવાયેલા મહત્વના નિર્ણય

 • પાલિકામાં 60 સફાઈ કામદારો ફિક્સ પગારથી રાખવામાં આવેલ હતા તેમની મુદત પૂરી થતી હોવાથી જરૂરિયાત જોતા 80 સફાઈ કામદારો કરાર આધારિત રાખવા નિર્ણય કરાયો હતો.
 • શહેરના વિસ્તારોમાં ડામરથી પેચ વર્ક અને પેવરથી ડામર રોડ કરવા માટે રોકવામાં આવેલ એજન્સી નાગોરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહેસાણા દ્વારા બાકીનું કામ શરૂ નહીં કરતા અને વિવિધ માગણીઓ રજૂ કરતા તેને તેમજ ભૂગર્ભ ગટર યોજના વાર્ષિક મરામત અને નિભાવણી કરવા નિયુક્ત એજન્સી માઈક્રો લેઝર વેલ્ડિંગ ટેકનોલોજી દ્વારા ડિપોઝીટ જમા કરાવી ન હોવાથી તે બંનેને બ્લેક લિસ્ટ કરવાની નોટિસ આપવા નિર્ણય કરાયો હતો.
 • નગરપાલિકામાં હાલમાં સ્ટાફની અછત છે ત્યારે નવીન સ્ટાફ ભરવાની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વહીવટી સરળતા ખાતર તાજેતરમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને ફિક્સ પગારથી કરાર આધારિત નોકરી રાખવા પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા યાદી મૂકવામાં આવી હતી જેમાં સરકારની મંજૂરી મેળવીને નિર્ણય કરવા સંમતિ આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...