તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીમોલીશન:પાટણ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના 5 ગેરકાયદે બાંધકામો દૂર કરવામા આવ્યા

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની પૂર્વમંજૂરી કે રજાચીઠ્ઠી વગર જ ખડકી દેવાયા હતા દબાણ

પાટણ નગરપાલિકા વિસ્તારમાં પાલિકાની પૂર્વ મંજુરી કે રજાચિઠ્ઠી વગર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોના દબાણોને હટાવવા માટે શુક્રવાર નાં રોજ નગરપાલિકા તંત્ર દ્વારા સરકારી કામગીરીમાં કોઈ દખલગીરી કે શાંતિ સુલેહનો ભંગ ન થાય તે માટે પોલીસ કાફલાને સાથે રાખી સ્પેશ્યલ દબાણ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી . આ દબાણ હટાવ ઝુંબેશ પાલિકા તંત્ર દ્વારા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનાં કુલ પાંચ જેટલા ગેરકાયદેસર દબાણોને જેસીબી મશીનની મદદથી દુર કરવામાં આવ્યા હતા.

પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રજાચિઠ્ઠી વગર કરાયેલ ગેરકાયદેસર દબાણ મામલે મળેલ અરજીઓના અનુસંધાને શુક્રવારના રોજ દબાણ હટાવ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી.

પ્રથમ પાટણ - ચાણસ્મા હાઇવે સ્થિત ગોલ્ડન ચોકડીથી હાંસાપુર તરફ જવાના માર્ગ પર આવેલ તિરુપતિ બંગ્લોઝના પ્લોટ નં.પ ની ખુલ્લી જગ્યામાં 66 કે.વી.ની.પસાર થતી જીવંત વીજ લાઇન નીચેની અરવિંદભાઇ ઠકકર દ્વારા પાલિકાતંત્રની રજાચિઠ્ઠી વગર રાતોરાત બે દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની જીઇબીની અરજીના અનુસંધાને નગરપાલિકા દ્વારા જેસીબી મશીન વડે ગેરકાયદેસરના આ દબાણને તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી .

જો કે આ કામગીરી દરમ્યાન સામાન્ય અડચણ ઉભી થતાં પોલીસે સરકારી કામમાં દખલ અંદાજી કરનાર એક ઇસમને સ્થળ પરથી ખસેડી દબાણ તોડવાની કામગીરી શરુ કરાતા દબાણ કરનાર વ્યક્તિ દ્વારા સ્વેચ્છાએ દબાણ દુર કરવાની હૈયાધારણા આપતાં દબાણ કામગીરી બંધ કરી પાલિકાતંત્રના કર્મચારીઓ અને પોલીસતંત્ર પરત ફર્યું હતું .

ત્યારબાદ પાલિકાતંત્ર દ્વારા ઓવરબ્રીજ નજીક આવેલ ચાર માળના તોતીંગ ક્રિષ્ના કોમ્પલેક્ષની બાજુમાં નગરપાલિકાની હદમાં કરાયેલ ગેરકાયદેસર પીલ્લરો અને સ્લેબના દબાણને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી .આ ઉપરાંત શહેરના જળચોક , સુભાષચોક તેમજ આનંદ વિહાર ભૈરવ ભાગ -2 પ્લોટ નં .4 ની માર્જીન વાળી જગ્યામાં થયેલ ગેરકાયદેસર દબાણો સહિત કુલ પાંચ જેટલા દબાણોને પાલિકા દ્વારા જેસીબી મશીન ની મદદથી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી .

પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશ ને લઈ ગેર કાયદેસર બાંધકામ કરનારા તત્વો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...