પાટણ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રજિસ્ટર થયેલા વાહનો દીઠ આજીવન વાહન વેરો વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ,જેમાં અત્યાર સુધીમાં 300 થી વધુ વાહન ચાલકો દ્વારા આજીવન વાહન વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે પોણા ત્રણ લાખ જેટલી આવક થવા પામેલ છે.
નગરપાલિકા દ્વારા આજીવન વાહન વેરા નિયમ 2008 મંજૂર કરાવેલ હતો તે મુજબ આજીવન વાહન વેરાની વસુલાત હવે નગરપાલિકાને સોંપવામાં આવી છે. જેમાં વર્ષે 2019 -20 કે તેથી પહેલા નગરપાલિકા હદ વિસ્તારમાં આરટીઓ કચેરી પાટણ દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલ વાહનો આજીવન વેરો ભરવાનો બાકી હોય તેમને સૂચના આપવામાં આવી રહી છે. આરટીઓ દ્વારા જિલ્લાના 48,000થી વધારે વાહનોના રજીસ્ટ્રેશનની યાદી આપવામાં આવી છે તેનું શોર્ટિંગ કરીને નોટિસ આપવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં દસ હજાર જેટલા વાહનો પાટણ શહેરના રજિસ્ટર થયેલા જણાયા છે. અંદાજે 1000 ઉપરાંત વાહન ધારકોને નોટિસ આપવામાં આવી છે અને આ કામગીરી હજુ ચાલુ છે .અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ વાહન ચાલકો આજીવન વેરો ભરપાઈ કરી ગયા છે. જેમાં રૂપિયા 2,70,000થી વધારે વેરા વસુલાત થઈ છે તેમ વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
આજીવન વેરો સ્કૂટર સહિત ટુ વ્હીલરમાં 250, ઓટો રિક્ષા 300, લોડિંગ ટેમ્પો, રિક્ષા ટ્રેક્ટરમાં 800, જીપ મોટરકાર, ટેક્સી, હળવા લોડિંગ વાહનોમાં 1000, પેસેન્જર બસમાં 1250 અને ભારે લોડિંગ વાહનોમાં 2000 આજીવન વેરો વસૂલાત પાત્ર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.