ગુજરાતની પ્રાચીન રાજધાની અને સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતા પાટણ શહેરમાં વિશ્વ વારસો દિવસેને લઇ હેરિટેજ વોક આયોજિત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી, નગરપાલિકા પાટણ તથા અતુલ્ય વારસો સંસ્થાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના છીંડીયા દરવાજાથી સવારે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, મદદનીશ કલેક્ટર સચિન કુમાર, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં હેરિટેજ વોકની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર તથા મહાનુભાવોએ પાટણ હેરિટેજ વોક બ્રોશરની ગુજરાતી તથા અંગ્રેજી આવૃતિનું વિમોચન કર્યું હતું. નવી પેઢી શહેરના વારસાથી પરિચિત થાય અને તેની જાળવણી માટે જાગૃત બને એવા ઉદેશ્યથી પાટણ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ હેરિટેજ વોક છીંડીયા દરવાજાથી શરૂ થઈ રાણકી વાવ ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં માર્ગમાં ત્રિકમ બારોટની વાવ, છત્રપતેશ્વર મહાદેવ મંદિર, પંચાસરા જૈન મંદિર, આધારા દરવાજા, પ્રાચીન કિલ્લો, ફાટીપાળ દરવાજા, ભદ્રકાલી મંદિર,પટોળા હાઉસ તથા પાટણ મ્યુઝીયમથી પસાર થઈ હતી.
પાટણ મ્યુઝિયમ ખાતે પાટણના વારસાને જાળવી રાખવા અને તેનું જતન કરવા પર સૌએ 'ચાય પે ચર્ચા' કરી હતી. જેમાં કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, પાટણનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. સમગ્ર જિલ્લામાં અનેક હેરિટેજ સ્થળો છે જેની જાળવણી માટે એક હેરિટેજ પ્રોજેક્ટ તૈયાર કરવો જોઈએ.
જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ જણાવ્યું કે, આજના વિશેષ દિવસે પાટણમાં હેરિટેજ વોકનું આયોજન થયું એ ખૂબ જ આનંદની વાત છે. જેનાથી પાટણના વારસાની જાળવણી થશે.
અતુલ્ય વારસો સંસ્થાના સંચાલક કપિલ ઠાકરે જણાવ્યું કે આપણી આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં હેરિટેજ હોય છે. જેની મહત્તા સમજીને આપણે એની જાળવણી કરવાની છે. જેના ભાગરૂપે આજની હેરિટેજ વોકનું આયોજન કર્યું છે.
પાટણના પ્રાચીન વારસાને ઉજાગર કરવા આ હેરિટેજ વોકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરતભાઈ જોષી, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એસ.એ.આર્ય, નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શાળા અને કોલેજના વિધ્યાર્થીઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા નાગરિકો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.