26મી જાન્યુઆરી એટલે કે,પ્રજાસત્તાક દિવસ. આ દિવસનું મહત્વ દેશવાસીઓ માટે અનેકગણુ છે. આ દિવસે સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હાલમાં સમગ્ર રાજ્યમાં પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદન કાર્યક્રમ માટે સમગ્ર પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો 26મી જાન્યુઆરીનો આ વર્ષનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ચાણસ્મા મુકામે થવાનો છે. 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ યાદગાર રહે અને કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
પ્રજાસત્તાક દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓના ભાગરૂપે આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક મળી હતી. બેઠકમાં પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને કરવાની થતી કામગીરીઓ સંલગ્ન અધિકારીઓને સોંપવામાં આવી હતી.
26મી જાન્યુઆરીની આ વર્ષની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણી ચાણસ્મા મુકામે રાખવામાં આવી છે. કલેક્ટર દ્વારા આજની બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં કાર્યક્રમના સંકલનથી લઈને સ્થળ પરની સાફસફાઈ સુધીની વ્યવસ્થાઓ કરવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી. પ્રજાસત્તાક દિને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે તે માટે સ્થળ પર તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા માટે કલેક્ટરએ અધિકારીઓને સુચન કર્યું હતુ. મહેમાનોની બેઠક વ્યવસ્થા, ઈનામ-પ્રમાણપત્રો વિતરણ, રંગરોગાન, સજાવટ, લાઈટીંગ, સાઉન્ડ સિસ્ટમ,વીજળીની વ્યવસ્થા, મેડીકલ ટીમો, વગેરે જેવી તમામ વ્યવસ્થાઓ કરવા માટે સંલગ્ન અધિકારીઓને સુચન કરવામાં આવ્યું હતું.
જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પોલીસ અધિક્ષક, તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા.
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ટેબ્લો બનશે વિશેષ આકર્ષણ
26મી જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પર ધ્વજવંદન બાદ દેશના વિવિધ રાજ્યોમાં દ્વારા ટેબ્લો બનાવી દેશની વિવિધતામાં એકતાના દર્શન થાય છે.પાટણ જિલ્લામાં ચાણસ્મા આયોજિત જિલ્લા કક્ષાની ઉજવણીમાં જીલ્લાના અલગ અલગ વિભાગો પોતાની કામગીરી ટેબ્લો દ્વારા રજૂ કરશે. ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, ICDS, વનવિભાગ, શિક્ષણ વિભાગ, અને આર.ટી.ઓ, વિભાગ દ્વારા સરકારની યોજનાઓથી લઈને યોજનાઓ થકી નાગરીકોને થયેલ લાભો તેમજ વિભાગ દ્રારા થતી કામગીરી સાથે જનજાગૃતિના સંદેશાઓને લગતી થીમ પર ટેબ્લો તૈયાર કરવામાં આવશે. જે પ્રજાસત્તાક દિવસે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.