જિલ્લા કલેક્ટરની બેઠક:પાટણના કલેક્ટરે નેશનલ હાઈવે ઑથોરીટીના અધિકારીઓ સાથે નવીન બની રહેલા માર્ગો બાબતે વિસ્તૃત ચર્ચા કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નેશનલ હાઇવે ઓથોરિટી સાથે પાટણ કલેક્ટરે વારાહી ખાતે બેઠક કરી. - Divya Bhaskar
નેશનલ હાઇવે ઓથોરિટી સાથે પાટણ કલેક્ટરે વારાહી ખાતે બેઠક કરી.
  • હાલમાં સાંચોર-સાંતલપુર સેક્શન ઓફ અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર નિર્માણનું કાર્ય ચાલુ
  • કલેક્ટરને રોડ શિફ્ટિંગ અને વળતર અંગેના પ્રશ્નો બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા ફરિયાદો મળી હતી
  • સુપ્રીત સિંઘ ગુલાટીએ વારાહી મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સાંચોર-સાંતલપુર સેક્શન ઓફ અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર નિર્માણનું કાર્ય નેશનલ હાઈવે ઑથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જમીન સંપાદન કરીને ચાલી રહ્યું છે. સાંતલપુર તાલુકાના કેટલાક ગામોમાંથી આ ધોરીમાર્ગો પસાર થઈ રહ્યા છે. જેથી જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ વારાહી મામલતદાર કચેરી ખાતે નેશનલ હાઈવે ઑથોરીટી ઑફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના અધિકારીઓ સાથે નવીન બની રહેલા માર્ગો બાબતે બેઠક કરી હતી.

જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીને અત્યારે બની રહેલ આ હાઈવે સંદર્ભે રોડ શિફ્ટિંગ અને વળતર અંગેના પ્રશ્નો બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા ફરિયાદો મળી હતી. જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરે નેશનલ હાઈવે ઑથોરીટી ઑફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.પી.એસ.ચૌહાણ તથા ધોરીમાર્ગો બનાવવાનું કામ કરતી વિવિધ એજન્સીઓના અધિકારીઓ સાથે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પસાર થઈ રહેલ હાઈવેની કામગીરીમાં થયેલ રોડ શિફ્ટિંગની બાબત પર ખૂબ જ બારીકાઈથી અને વિસ્તૃત ચર્ચા કરી હતી.

કલેક્ટરે ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ પાસેથી થયેલા સરવે અંગેની વિગતો મેળવી હાઈવે ઑથોરીટીના અધિકારીઓને ઉભી થયેલી પરિસ્થિતિનું સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા માટે તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા યોજાયેલી આ મીટીંગમાં પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલિયા, નાયબ કલેક્ટર અક્ષય પારગી, ઈન્ચાર્જ ડી.આઈ.એલ.આર. ભાવેશ પટેલ, મામલતદાર એમ.જી.પરમાર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોંઘવારીના સમયમાં વળતર પૂરતું નથી
વૌવાના સરપંચ લાલાભાઈ આહીરે જણાવ્યું હતું કે ભારતમાલા પ્રોજેકટમાં સરકાર દ્વારા ખેડૂતોને જે વળતર ચુકવવામાં આવ્યું છે. તે વળતર હાલની મોંઘવારીના સમયમાં યોગ્ય નથી ખેડૂતોએ વધુ વળતર ચુકવવામાં આવે તેમજ ખેતરોમાં અવરજવરના રસ્તાઓ સહિત ગરનાળાઓ પણ મુકવામાં આવે તે બાબતની ખેડૂતો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

10 ગામોમાંથી ધોરી માર્ગ પસાર થાય છે
વારાહી મામલતદાર એમ.જી પરમારે જણાવ્યું હતું કે સાંતલપુર તાલુકાના કિલાણા, જામવાડા, વરણોસરી, બાવરડા, સાંતલપુર, રણમલપુરા, કલ્યાણપુરા અને બકુત્રા સહિતના 10 ગામોમાંથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ધોરી માર્ગ પસાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...