તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:અહિંસાનું સંપૂર્ણ પાલન કરતું પર્વ એટલે પર્યુષણ

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં પર્યુષણ પર્વ પ્રસંગે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો - Divya Bhaskar
પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં પર્યુષણ પર્વ પ્રસંગે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો
  • ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં મુનિરાજ ચારિત્રરત્ન વિજયએ પર્યુષણ પર્વેનો મહિમા સમજાવ્યો

પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ પૂ. ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ પૂ.નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણાની નિશ્રામાં પર્યુષણ મહાપર્વની 8 દિવસીય આરાધનાનો આરંભ થયો છે. પર્વનો મહિમા સમજાવતા મુનિરાજ પૂ. ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે જૈન ધર્મની સંસ્કૃતિ હંમેશાં ત્યાગ અને તપપ્રધાન રહેલી છે.જીવનની સફળતા રાગમાં નહીં, પણ ત્યાગમાં છે. ભોગમાં નહીં પણ યોગમાં છે. વાસનામાં નહીં પણ ઉપાસનામાં છે.

પરિગ્રહ-સંગ્રહમાં નહીં પણ દાન અને ઉદારતામાં છે. ત્યાગ ઉપયોગી અને અનુપયોગી એમ બંને વસ્તુઓનો કરવામાં આવે છે. જ્યારે દાન ઉપયોગી વસ્તુનું કરાય છે. ભોગોની પ્રાપ્તિ કરતાં તેમનો ત્યાગ ચડિયાતો છે. ત્યાગી સમગ્ર જગતનું રત્ન છે, જ્યારે ભોગી કીચડમાં ફસાયેલ પામર પ્રાણી છે. આસક્તિનો ત્યાગ કરી અનાસક્તિ યોગ તરફ સ્થિર થવું એનું નામ પર્યુષણ ,મહાપુરુષોના ગુણોનું ચિંતન કરતાં કરતાં આત્મકલ્યાણની પ્રાપ્તિ કરવાનો અમૂલ્ય અવસર એટલે પર્યુષણ. આ પર્વ આત્મજાગરણનું પર્વ છે. પર્યુષણ પર્વની ઉજવણી નહીં, પણ ઉપાસના કરવાની છે. અહિંસાનું સંપૂર્ણ પાલન કરતું પર્વ એટલે પર્યુષણ.

મુનિરાજએ કહ્યું કે શ્રી પર્યુષણ પર્વ એટલે આત્માની નિકટતા પ્રાપ્ત કરવાનું પર્વ વિભાવથી સ્વભાવ તરફ વળવાનું પર્વ, જીવનની સરગમ પર સ્નેહના સૂર છેડતું પર્વ, તૂટેલાં દિલોના તારને સાંધતું પર્વ. પર્યુષણ પર્વ એટલે ભીતરને બદલવાનું પર્વ. પર્વને લઈ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં પ્રવચન સહિત અનેક ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગ પાલિકા ચીફ ઓફિસર પાંચાભાઈ માલીએ મુનિરાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને તપસ્યા કરનાર ભાઈ બહેનોને તેમજ જૈન સમાજનાં લોકોને પર્વની શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...