પાટણ ખાતે કાર્યરત કેન્દ્રીય વિદ્યાલયમાં આગામી નવા શૈક્ષણિક સત્રથી ધો .11 નો વર્ગ શરુ કરવા મામલે સત્તાધીશો દ્વારા મૌન સેવવામાં આવતા હાલમાં ઘો .10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બને તેમ છે . અનેક રજૂઆતો છતાં સત્તાધીશો દ્વારા કોઇ જ નક્કર ખાતરી નહીં મળતા રોષે ભરાયેલા વાલીઓએ ભૂખ હડતાલ સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પાટણ નજીક ચોરમારપુરા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે કેન્દ્રીય વિદ્યાલયનું અદ્યતન બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે પરંતુ બિલ્ડીંગના સંકુલ વચ્ચેથી પાણીનું નાળુ પસાર થાય છે જેના કારણે વિદ્યાર્થીઓની સલામતી જોખમાય તેમ હોય આ નવુ સંકુલ હાલ શોભાના ગાંઠીયા સમાન બની ખંડેર ઉભુ છે . જયારે હાલ શહેરની મધ્યમાં આવેલ કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલમાં ધો .1 થી 10 સુધી કેન્દ્રીય વિદ્યાલય ચાલે છે ચાલુ શૈક્ષણિક સત્રમાં ધો .10 ની પરીક્ષા આપી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ માટે ધો .11 ના વર્ગો શરુ કરવાનો પ્રશ્ન પેચીદો બન્યો છે.
વાલીઓના મતે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા પાટણમાં ઘો.11 ના વર્ગો શરુ થાય તેમ નહી હોવાનું તેમજ જયાં સુધી નવા બિલ્ડીંગમાં નાળાનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી અભ્યાસક્રમ શરુ નહી કરવા નિર્ણય કરાયો છે . ધો .11 ના વર્ગોને લઇ ચિંતિત બનેલા વાલીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પાટણ જિલ્લા કલેકટર ગાંધીનગર ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલયની રીજ્યોનલ ઓફીસના વરીષ્ઠ અધિકારીઓ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પાટણના સંસદસભ્ય ભરતસિંહ ડાભી,ભાજપના સ્થાનિક આગેવાનો સમક્ષ પાટણમાં જ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી નવા શૈક્ષણિક સત્રથી ધો .11 ના વર્ગો શરુ કરવા અને કરોડો રુપિયાના ખર્ચે બનેલ કેન્દ્રીય વિદ્યાલયના નવા સંકુલમાં નાળાનો પેચીદો પ્રશ્ન તાકીદે હલ કરવા રજૂઆતો કરી રહયા છે. પરંતુ એકબીજાના માથે ખો આપી વિદ્યાર્થીઓના આ પ્રશ્ન મામલે કોઇ નકકર કામગીરી કે રજૂઆત કરવામાં પાછી પાની કરી રહયા છે.
રાજકીય આગેવાનો અને સત્તાધીશોને રજૂઆતો કરી થાકેલા વાલીઓએ રોષભેર જણાવ્યું હતું કે, જવાબદારો દ્વારા પાટણમાં જ ધો .૧૧ ના વૈકલ્પિક વર્ગો શરુ કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ, ઘેરાવ સહિતના ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ધો .11 ના વર્ગો શરુ કરવા જવાબદારો દ્વારા ખાતરી આપવામાં નહી આવતા તેની સીધી અસર હાલ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ પડી રહી છે . તો બીજી તરફ વાલીઓ પણ પોતાના બાળકોના અભ્યાસ અને તેઓની આગળની કારકિર્દીને લઇ ભારે ચિંતિત બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.