વઢિયારના વિખ્યાત જૈન તીર્થ શંખેશ્વર ખાતે આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અને શંખેશ્વર ગ્રામ પંચાયત સંચાલિત રખડતા અને ઘવાયેલા પશુ આશ્રય સ્થાન પાંજરાપોળનું ઉદ્ઘાટન દાતા પરિવાર, આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ પરિવારની ઉપસ્થિતિમાં કરાયું હતું.
ગામમાં રખડતા અને બીમાર, અકસ્માતમાં ઘવાયેલા પશુઓની સ્થિતિ જોતા શંખેશ્વરના યુવા સરપંચ ડી.કે. ગઢવીને આવા નિરાધાર પશુઓ માટે આશ્રય સ્થાન બનાવવાનો શુભ વિચાર આવ્યો અને આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ જરીવાલા સાથે આ વિચાર મુક્યો, તરત જ આ વિચારને ઝીલી પાંજરાપોળના દાતા તરીકે માતૃ સ્વ. વિમળાબેન ભૂપતરાય દોશી હસ્તે મલાબેન વિજયભાઈ દોશીએ લાભ લીધો. જે પાંજરાપોળ તૈયાર થતા આજરોજ વિધિવત રીતે ખુલ્લું મુકાયું હતું.
આ પ્રસંગે જૈન સંત નયપદ્મ વિજયજી મ.સા.એ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સેવાભાવી સરપંચ ડી.કે.ગઢવી, દાતા મલાબેન વિજયભાઈ દોશી પરિવાર, આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સદ્દભવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા કે જેમણે શંખેશ્વરને હરિયાળું બનાવવાની નેમ સાથે 2500 વૃક્ષો વાવીને ઉછેરવાની વ્યવસ્થાં ગોઠવી છે. શંખેશ્વર કર્મ વિરાંગના અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જિજ્ઞાબેન શેઠ સહિત અનેક સેવા ક્ષેત્રે કામ કરતા વ્યક્તિઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શંખેશ્વરના જાણીતા લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવીએ કર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.