નવરાત્રિ મહોત્સવ:પાટણના લીંબચ માતાજી નવખંડની પલ્લી ભરાઈ, મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિમાં અહી જૂની પરંપરા મુજબ મહોલ્લાના રહીશો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી સાતમા નોરતે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

પાટણમાં આદ્યશક્તિની આરાધનાના નવરાત્રી મહોત્સવની ધર્મમય માહોલમાં ઉજવણી થઈ રહી છે. લીંબચમાતા મંદિર પરિસરમાં આસો સુદ સાતમની મોડી રાત્રે પરંપરાગત રીતે માતાજી ની નવખંડની પલ્લી ભરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પલ્લીના દર્શન કર્યા હતા.

પાટણ શહેરના સલવિવાડા વિસ્તારમાં આવેલા લીંબચમતાની પોળમા લીંબચ માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે . નવરાત્રિના સાત દિવસ અહી જૂની પરંપરા મુજબ મહોલ્લાના રહીશો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી છે. નવરાત્રિની સાતમે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ માતાજીના ગરબે ઘૂમી આરાધના કરી હતી. સાતમના દિવસે રાત્રે ચાચરના ગરબાનું તેમજ મહાકાળીના ગરબાનો વિશેષ આયોજન કરાયું હતું.

ચાચરના ગરબામા યુવતીઓએ એક જ પ્રકારના વસ્ત્રોમાં સજ્જ થઈ માના ચાચરચોકને વધાવી આરાધના કરી હતી. તો મહાકાળી માતાનો પરંપરાગત ગરબો પણ યોજાયો હતો. જેમાં યુવતીઓએ કાળકા, ભદ્રકાળી અને પતાઈરાજાના પાત્રો ભજવી તાલબદ્ધ રીતે ગરબાની રંગત જમાવી હતી. ત્યારબાદ માઁ લીંબચની નવખંડની પલ્લી ભરવામાં આવી હતી. ત્યારે હજો ..... હજો ..... ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

લીંબચમાતાની પોળમાં પરંપરાગત રીતે સાતમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને મહાકાળીનો પ્રાચીન ગરબો પણ યોજવામાં આવે છે. જે ગરબાને જોવા માટે લીમ્બચીયા જ્ઞાતિ સમાજના લોકો ઉપરાંત અન્ય સમાજના લોકો બહાર ગામથી પણ આવે છે. ત્યારે ચાલુ વર્ષે આ ગરબો યોજાયો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દર વર્ષે સાતમ ની રાત્રે માતાજીની નવખંડની પલ્લી ભરવામાં આવે છે. જેના દર્શન માટે મોટી સંખ્યામાં માઇ ભકતો આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પલ્લીના દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...