પાટણ-ઊંઝા ત્રણ રસ્તા સ્થિત બાલાજી પાર્ટી પ્લોટ ખાતે પાટણ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો.રાજુલબેન દેસાઇ દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રજાજનોના ઋણ સ્વીકારનો કાર્યક્રમ યોજાયો હતો.
ડૉ. રાજુલ દેસાઈનો 17 હજાર મતોથી પરાજય થયો હતો
15મી ગુજરાત વિધાનસભાની રચના માટે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણી બાદ તેના પરીણામો જાહેર થતાં પાટણ વિધાનસભા બેઠક પર સતત બીજી વખત કોંગ્રેસનો વિજય થયો છે જયારે ભાજપના ઉમેદવાર ડો.રાજુલબેન દેસાઇનો 17 હજાર મતોથી પરાજય થયો હતો. જોકે, તમામ કાર્યકર્તાઓ અને વિધાનસભાના જન પ્રતિનિધિઓનો આભાર વ્યકત કરવા માટે આજે ડૉ. રાજુલબેન દેસાઈ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પાટણ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડો.રાજુલબેન દેસાઇએ જણાવ્યું હતું કે, આજે ભાજપની સૌથી મોટી વોટબેંક એ શહેર કહેવાય. ત્યારે પાટણ શહેરના લોકો ભાજપથી કેમ નારાજ છે? તે 15 દિવસનું કારણ નહીં પણ જુના કારણો છે. ચૂંટણીના 15 દિવસના ટૂંકાગાળામાં મતદાન વખતે 87 હજાર લોકોના દિલ જીતવા એ કોઇ નાનીસુની વાત નથી. જે પરાજયમાં પણ ભાજપની જીત છે.
કોંગ્રેસ પર આકરી પ્રતિક્રિયાઓ વ્યકત કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધર્મને સાથે રાખીને ચાલતી હોવ ત્યારે મારા કુળની રક્ષા કરવી એ મારી પહેલી ફરજ છે. કાર્યકરોએ હંમેશા સકારાત્મક વિચારોથી કામ કરવું જોઇએ તેવી હાકલ પણ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, અમારો પનો થોડો નાનો પડ્યો પૃથ્વીરાજ ચૌહાણ જયારે ભારત જીતવા નીકળ્યા હતા ત્યારે આપડા જયચંદોએ જ હારવ્યા હતા એમ ટાણો માર્યો હતો. દિકરા કરતા દિકરી ચડીયાતી છે. માટે હું રણચંડી બનીને મેદાને પડી છું માટે ચેતી જજો તેમ કહી કોંગ્રેસ પર આકરી પ્રતિક્રિયાઓ વ્યકત કરી હતી.
લોકો પાસે લેખિત મંતવ્યો લેવામાં આવ્યાં
આગામી દિવસોમાં પાટણની નગરપાલિકાનો વહીવટ પણ હું જ કરીશ. કોઇપણ કાર્યકર્તાઓએ મારી રૂબરૂ સીધો સંવાદ કરી શકશે અથવા ડીઝીટલ માધ્યમથી મળતા રહીશું. હારના કારણો જાણવા આવેલા લોકો પાસે લેખિત મંતવ્યો લેવામાં આવ્યાં હતા. તો ઉપસ્થિત કેટલાક લોકો ચૂંટણી હરવાનાર લોકોના નામ જાહેર કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ, મંત્રી, શહેર પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય સહિત પક્ષના હોદેદારો, આગેવાન કાર્યકરો સહિત જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.