તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

25 વર્ષે કોર્ટનો ચુકાદો:વળતર ન ચૂકવતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મિલકત જપ્ત કરવાનો હુકમ, 25 ખેડૂત 14.6 કરોડ વળતરથી વંચિત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર
  • યુનિવર્સિટીએ 17.06 કરોડનુ અનુદાન મેળવવા સરકારમાં દરખાસ્ત કરી, પાટણ સિવિલ કોર્ટના હુકમને સરકારી પક્ષ હાઈકોર્ટમાં પડકારશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ માટે સંપાદન કરાયેલી જમીનમાં વળતરથી બાકી રહી ગયેલા 25 અરજદારોને રૂપિયા 14 કરોડ 06 લાખ વળતર ચુકવણી 25 વર્ષથી કરાઈ નથી. 2019માં કોર્ટે હુકમ કર્યા પછી પણ વળતર ન ચૂકવાતા મિલકત જપ્તી માટે કરાયેલી અરજી બુધવારે કોર્ટે માન્ય રાખી હતી. સરકાર અને પછી યુનિવર્સિટીની જંગમ મિલકતો જપ્ત કરવા અત્રેની સિવિલ કોર્ટે હુકમ કર્યો હતો.જોકે સરકારી વકીલ દ્વારા અદાલતના હુકમ સામે હાઈકોર્ટમાં જવા માટે 60 દિવસની મુદત માંગતા સિવિલ કોર્ટ દ્વારા 30 દિવસની અવધિ આપી છે.

171 એકર જમીન સંપાદન કરી હતી
પાટણ ખાતે યુનિવર્સિટી કેમ્પસ બનાવવા માટે 12 એપ્રિલ 1987 ના રોજ જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. જેમાં 80 જેટલા ખેડૂતોની કુલ 171 એકર જમીન સંપાદન કરવામાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ ગૃપમાં જમીન ધારકો દ્વારા વળતર મેળવવા કવાયત હાથ ધરી હતી. છેલ્લે 25 જેટલા ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં વધુ વળતર માટે અરજ કરી હતી. જેમાં રૂપિયા 100 વળતર મંજુર કરતો હુકમ 2015માં થયો હતો.

બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી
આ પછી દેવીપૂજક જેણાભાઈ નાથાભાઈ સહિતના અરજદારો દ્વારા પાટણ સિવિલ કોર્ટમાં વળતર મેળવવા અરજી કરતા 30 નવેમ્બર 2019ના રોજ વ્યાજ અને મળવાપાત્ર લાભ સાથે વળતર 10 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો હતો. પણ રકમ ન ચૂકવાતા સામાવાળા જમીન સંપાદન અધિકારી-વ-નાયબ કલેકટર અને રજીસ્ટાર યુનિવર્સિટી સામે મિલકત જપ્તી વોરંટ કાઢવા અરજ કરાઈ હતી. આ કેસ બુધવારે પાટણના સિવિલ જજ મનોજ એસ દવે સમક્ષ ચાલી જતા પ્રત્યેક દરખાસ્તદારે રૂપિયા 15000 ડિપોઝિટ પેટે જમા કરાવ્યેથી સામા વાળા જમીન સંપાદન અધિકારી-વ-નાયબ કલેકટર સરકારની તમામ મિલકત જપ્ત કરવા પછી જો વધુ જપ્તીની જરૂર હોય અને તેવા સંજોગો જણાતા હોય તો રજીસ્ટાર યુનિવર્સિટીની જંગમ મિલકત પણ જપ્ત કરવા હુકમ કર્યો હતો.

સરકાર હાઈકોર્ટમાં જશે: આ યુનિવર્સિટીની જવાબદારી
સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વળતર ચૂકવવાની જવાબદારી સરકારની નહીં પરંતુ યુનિવર્સિટીની બને છે. યુનિવર્સિટી બની ત્યારે ભંડોળની વ્યવસ્થા કરવાની યુનિ.એ સરકારને બાહેધરી આપેલી હતી તે પછી સંપાદન થયું હતું.યુનિવર્સિટીને પોતાનું સ્વભંડોળ હોય છે તેની આવક હોય છે સરકારની ગ્રાન્ટ પણ મળે છે એટલે કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકારવા માટે 60 દિવસની મુદત માંગતા કોર્ટ દ્વારા 30 દિવસ ની મહેતલ આપવામાં આવી છે.

સરકાર અને યુનિવર્સિટી દ્વારા એકબીજા પર ખો
જમીન વળતર ચૂકવવામાં યુનિવર્સિટી દ્વારા સરકાર ઉપર અને સરકાર દ્વારા યુનિવર્સિટી ઉપર જવાબદારી ઢોળવામાં આવી રહી છે. યુનિવર્સિટી દ્વારા સરકાર ગ્રાન્ટ આપે તો તરત જ વળતર ચુકવી દેવાશે તેવી દલીલ કરવામાં આવી હતી. જ્યારે સરકાર પક્ષ દ્વારા આ જવાબદારી માત્ર યુનિવર્સિટીની બને છે તેવી દલીલ કરી હતી.

જમીન ધારકોની વળતર માટેની મેરેથોન
13 ખેડૂતોએ સ્વૈચ્છિક સંમતિથી જમીનનો કબજો યુનિવર્સિટીની સોંપ્યો હતો તેમને તે સમયે મહેસાણા કોર્ટે ચોરસ મીટરના રૂપિયા 36 વ્યાજ સાથે વધુ ચૂકવવા આદેશ કર્યો હતો આ પછી 12 ખેડૂતોના એક ગ્રુપે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વધુ વળતર માટે અરજ કરી હતી. પરંતુ સમયમર્યાદાના વિલંબથી તેમના કેસ કાઢી નાખવામાં આવ્યા હતા. 1994-95 માં યુનિવર્સિટીને જમીનનો કબજો મળ્યો હતો તે પછી વધુ વળતર મેળવવા માટે 53 જેટલા ખેડૂતો દ્વારા અરજ કરાતા મહેસાણા કોર્ટ દ્વારા રૂપિયા 109/ 30 તથા રૂપિયા 63 મુજબ અલગ અલગ વળતર મંજૂર કરતા નારાજ થઈ ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજ કરતા હાઇકોર્ટ દ્વારા અલગ-અલગ ગ્રુપના કેસોમા એક સર્વગ્રાહી ચુકાદો આપી ખેતીની જમીન માટે રૂપિયા 60 અને બિન ખેતી જમીન માટે રૂપિયા 78 પ્રતિ ચોરસ મીટર મંજૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...