વિરોધ:પાટણમાં પાણીની લાઈનોના નેટવર્ક માટેનો DPR તૈયાર કરવા નિયુક્ત એજન્સીનો વિરોધ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2021માં છૂટી કરેલી એજન્સીને ફરીથી રોકવાના હુકમનો સત્તા અને વિપક્ષનો વિરોધ નોંધાવ્યો
  • સભ્યો દ્વારા નવી એજન્સીને કામગીરી આપવા માંગ કરતાં એજન્સી નક્કી કરવા પ્રમુખને સત્તા સોંપાઈ

પાટણ શહેરમાં પાણી પુરવઠા લાઈનના નવીનીકરણ માટે સરકાર દ્વારા બજેટની જોગવાઈ કરી છે. તે માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી જે એજન્સીને સોંપવામાં આવેલી છે તેને બદલવા સત્તા પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા વિરોધ દર્શાવતા આ માટે આખરે પ્રમુખને નિર્ણય કરવાની સત્તા આપવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા અમૃતમ યોજના હેઠળ પાટણ નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાની યોજના માટે ₹36 કરોડ 35 લાખની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવી હતી. જેમાં હાલના શહેર વિસ્તાર તેમજ આઉટ ગ્રોથ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનનું નેટવર્ક નવીનીકરણ કરવાનું થાય છે.

આ માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ગુજરાત સરકારના ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન ગાંધીનગરના પત્ર અનુસાર પેનલ ઉપરની એજન્સી મારફતે ડીપીઆરની કામગીરી કરાવવા માટે ધવલ એન્જિનિયર ગાંધીનગરને કામગીરી સોંપવા તેમજ જીયુડીએમની માન્ય શરતો મુજબ ડીપીઆરનું મહેનતાણાનું પેમેન્ટ કરવા હુકમ થયો હતો. આ હકીકત શુક્રવારે યોજાયેલી સામાન્ય સભામાં લાવવામાં આવી હતી.પરંતુ તેનો સભ્યો દ્વારા વિરોધ દર્શાવાયો હતો અને નવી એજન્સીને કામગીરી આપવા માંગ કરવામાં આવી હતી.

આ સંબંધમાં ચોક્કસ એજન્સીને કામગીરી આપવા સામે વિપક્ષ દ્વારા અગાઉથી લેખિત વાંધો રજૂ કરવામાં આવ્યો હતો જ્યારે સત્તા પક્ષના સભ્ય ડો.નરેશ દવે અને શૈલેષ પટેલ દ્વારા પણ એજન્સીને કામગીરી ન આપવા માંગ કરવામાં આવી હતી. ચીફ ઓફિસર પંકજ બારોટ દ્વારા ધવલ એજન્સી સરકારની પેનલ ઉપરની એજન્સી હોવાનું જણાવ્યું હતું પરંતુ સભ્યો સંમત થયા ન હતા.

અગાઉ સારું કામ નથી કર્યું તે એજન્સી હવે પછી સારું કામ કરશે : ડો.નરેશ દવે
ચર્ચામાં ભાગ લેતા ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે ધવલ એન્જિનિયર ગાંધીનગર એજન્સી અગાઉ કામ કરેલા છે પરંતુ તે સંતોષકારક થયાં ન હતા. જેના કારણે 22 જાન્યુઆરી 2021ની સામાન્ય સભામાં ઠરાવ કરીને એજન્સીને છૂટી કરાઈ હતી. અગાઉ સારું કામ નથી કર્યું તે એજન્સી હવે પછી સારું કામ કરશે તેવું માનીને કામ ન આપવું જોઈએ. ઉત્તર ગુજરાતમાં બીજી મલ્ટીટેક એજન્સી પણ કામ કરે છે.તેને તક આપવી જોઈએ.

હવે પ્રમુખ યોગ્ય નિર્ણય કરશે
આ મામલે સત્તા પક્ષના સભ્યો અને વિપક્ષના નેતા વગેરેની રજૂઆતો થયા બાદ સત્તા પક્ષના કોર્પોરેટર શૈલેષ પટેલ દ્વારા ધવલ એન્જિનિયરને કામ સોંપવાનો નિર્ણય મુલતવી રાખી કઈ એજન્સીને કામગીરી આપવી તેનો નિર્ણય કરવા પ્રમુખને સત્તા આપવા આખરી સૂચન કરાયુ હતું. હવે પ્રમુખ યોગ્ય નિર્ણય કરશે

અન્ય સમાચારો પણ છે...