આક્ષેપ:આયોજન મંડળની ગ્રાન્ટ તેમના વિસ્તારમાં ફા‌ળવ્યાનો વિપક્ષના નેતાએ આક્ષેપ કરતાં પ્રમુખના સસરાની ધમકી

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ તાલુકા પંચાયતના પ્રમુખે રૂ. 16 લાખ ગ્રાન્ટ બોરસણ બેઠક માટે ફાળવ્યાનો આક્ષેપ
  • વિપક્ષના નેતાએ પોલીસમાં અરજી આપી, ગ્રાન્ટ ફાળવણીના કાગળોની કચેરી બહાર હોળી કરી

પાટણ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે આયોજન મંડળની રૂ.16 લાખની ગ્રાન્ટ માત્ર બોરસણ બેઠક પર ફાળવી દેતાં બુધવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિરોધપક્ષના નેતાએ વિરોધ કર્યો હતો અને અન્ય બેઠકના ગામોના વિકાસને રૂધવાનું કામ કર્યું છે તેવો આક્ષેપ કર્યો હતો. બાદમાં કચેરીના મુખ્ય દરવાજા બહાર ગ્રાન્ટ ફાળવણીના કાગળો સળગાવી હોળી કરી હતી. જોકે ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખના સસરાએ વિરોધ પક્ષના નેતાને ધમકી આપતા વિપક્ષના નેતાએ પોલીસ મથકે અરજી પણ આપી હતી.

પાટણ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ માયાબેન ઝાલાના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભાની બેઠકમાં વર્ષ 2021-22 ની આયોજન મંડળની રૂ.16 લાખ ગ્રાન્ટ પ્રમુખે માત્ર તેમના વિસ્તારની બોરસણ બેઠક પર ફાળવવાના મુદ્દે વિરોધ પક્ષના નેતા સોહન પટેલે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં પ્રમુખ સહિતના પદાધિકારીઓ ની ખુરશીમાં તેમના સબંધી બેસતા હોવાની પણ રજૂઆત કરી હતી. વધુમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા માગણી કરી હતી.

15 માં નાણાપંચના રૂ. 1.50 કરોડના વિકાસના કામો કરવા માટેની યાદી તાલુકા પંચાયતના સદસ્યોએ રજુ કરતા સામાન્ય સભાએ મંજૂરી આપી હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે તાલુકા પંચાયત કચેરી સંકુલમાં સીસીટીવી કેમેરા લગાવવા અને કર્મચારીઓને બેસવા માં સરળતા રહે તે માટે તાલુકા પંચાયત ઉપર બાંધકામ કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...