પાટણ બિલ્ડર મુકેશભાઇ સુથાર (મેવાડા)ને પાટણની એક જ્યુડીસીયલ કોર્ટે રૂા. 60 લાખનો ચેક રિટર્ન થવાનાં કેસમાં એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી તથા તેને ચેકની રૂા. 60 લાખની રકમની દોઢી રકમ એટલે કે, રૂા. 90 લાખનો દંડ ફટકાર્યો હતો ને આ દંડની રકમ વસુલ આવે તો તે રકમ ફરિયાદીને 60 દિવસમાં વળતર સ્વરુપે ચૂકવવી તથા રકમ ચુકવવામાં કસૂર કરે તો આરોપીએ વધુ 30 દિવસની સાદી કેદ ભોગવવી. જો આરોપી આ રકમ જમા ન કરાવે તો ફરીયાદી રેવન્યુ રાહે આ રકમ વસુલ કરી શકશે.
આ કેસની મળતી માહિતી મુજબ મુળ પાટણનાં બાલીસણાના વતની અને હાલ મુંબઇનાં ભીવંડી ખાતે રહેતા કાંતિભાઇ પ્રાગજીભાઇ પટેલ આરોપી બિલ્ડર મુકેશભાઇ મેવાડા (સુથાર) પાસેથી પાટણની ટી.પી.-1 વિસ્તારમાં બે ફ્લેટની ખરીદીનાં મામલે પૈસાની લેવડ દેવડ 2018નાં અરસામાં થઇ હતી. જે અંગે મુકેશભાઇએ રૂા. 60 લાખના ચેક ફરિયાદી કાંતિભાઇને આપેલા. જે તેમણે પોતાનાં ખાતામાં જમા કરાવતાં આરોપીનાં ખાતામાં અપૂરતા નાણાંના અભાવે ચેક પાછા ફર્યા હતા.
જે અંગે ફરિયાદીએ પોતાના વકીલ પંકજ બી. વેલાણી મારફત પાટણની જ્યુડીસીયલ કોર્ટમાં નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરી હતી.જે કેસ પાટણની કોર્ટનાં મેજિસ્ટ્રેટ પ્રિયંકાલાલની કોર્ટમાં ચાલી જતાં તેમણે બંને પક્ષોની રજુઆતો ધ્યાને લઇને આરોપીને ઉપરોક્ત સજા ફટકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.