જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાટણ શહેરના સંતોકબા હોલ ખાતે કૅશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો હતો. દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો.
સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને અને આજીવિકામાં વધુ સુધારો આવે તે હેતુથી પાટણ જિલ્લાની સખી મંડળની 400 જેટલી બહેનોની હાજરીમાં બેંક ઓફ બરોડા, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, મહેસાણા ડિસ્ટ્રીકટ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈ.સી.આઈ.સી. બેંક દ્વારા સખી મંડળને કેશ ક્રેડીટ આપવાના કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના વરદ હસ્તે 11 સખી મંડળોને રૂા.1.00 લાખના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાંથી કુલ 526 સખીમંડળોને રૂ.564.84લાખ જેટલી રકમની લોન મંજૂર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થીત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોની આજીવિકામાં વધારો કરી ગરીબીમાંથી બહાર લાવવા 'રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના'ની શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, બહેનો હજુ વધુ અસરકારક કામગીરી કરી તેમની આજીવિકામાં વધારો કરે, મહિલાઓ સ્વાવલંબી બને તે હેતુસર સ્વસહાય જૂથોને રુ.1 લાખથી 10 લાખ સુધીની ક્રેડિટ પણ ધિરાણ સ્વરૂપે આપવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ જણાવ્યું કે, વ્યક્તિગત રીતે અને જાહેર જીવનમાં જોડાયેલા સહિતના લોકો કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે આ તમામના સંકલિત પ્રયાસો અને પરિણામલક્ષી કામગીરી જ જિલ્લાના વિકાસનું ચાલકબળ છે.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સાંકાજી ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલા, જિલ્લા સંગઠનના આગેવાન સર્વશ્રી કે.સી.પટેલ, કિશોરભાઈ મહેશ્વરી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોશી, નાબાર્ડના ડીડીએમ અને લીડબેંક મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.