લોહીયાળ ખેલ ખેલાયો:હારીજ એપીએમસી કેમ્પસમાં જૂની અદાવતમાં ફાયરિંગ, એકનું મોત, અફરાતફરીનો માહોલ સર્જાયો

પાટણ5 મહિનો પહેલા
  • બનાવના પગલે પાટણ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
  • ગંભીર રીતે ઘવાયેલા યુવાનને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો

પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ એપીએમસી કેમ્પસમાં શનિવારના રોજ સવારના સુમારે એક કોમના ઈસમો વચ્ચે જૂની અંગત અદાવતને લઇને બાઈક ઉપર આવેલા અજાણ્યા બાઇક ચાલકો દ્વારા રિવોલ્વરથી ફાયરિંગ સાથે ત્રિક્ષણ હથિયારો વડે બે યુવાનો ઉપર હુમલો કરાતા એક યુવાનનું ઘટના સ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવાનોને પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતા.

રિવોલ્વરથી ફાયરિંગ કરી છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો
પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતે રહેતા એક સમાજના કુટુંબીજનોમાં જમીનના આ મામલે અગાઉ થયેલી બાબલની અદાવત રાખીને શનિવારના રોજ બાઈક ઉપર આવેલા કેટલાક ઇસમો દ્વારા લાભુભાઈ કમશીભાઇ દેસાઈ અને મહેશભાઇ કરમશીભાઇ દેસાઈ ઉપર હારીજ એપીએમસીમાં કેમ્પસમાં આંતરી રિવોલ્વરથી ફાયરિંગ કરી છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જે હુમલામાં લાભુભાઈ કમશીભાઇ દેસાઈને પેટના ભાગે ગોળી વાગતા અને છરીથી કરાયેલા હુમલાના કારણે તેઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મહેશભાઇ કરમશીભાઇ દેસાઈને ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલીક સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બાઇક પર ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન
હારીજ એપીએમસી કેમ્પસમાં બનેલા બનાવના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દિધો છે. તથા હુમલો કરી બાઇક પર ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતે શનિવારના રોજ બનેલી ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. તો જમીનની અંગત અદાવતને કારણે એક કોમ વચ્ચે સર્જાયેલી આ બનાવને લઇને સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

જુની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું

પાટણ એસપીના જણાવ્યા પ્રમાણે ઘટનાની તપાસ થઇ રહી છે. જુની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેમજ નાકાબંધી કરી આરોપીને પકડવાની કવાયત હાથ ધરાઇ છે. તેમજ ફરિયાદ નોંધાયા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મૃતક બે દિવસ પહેલા જ સુરતથી આવ્યા હતા
મૃતક લાભૂભાઇ દેસાઈ પોતાના પરિવાર સાથે સુરત ખાતે રહેતાં હતાં. સામાજિક કામ માટે પોતાના હારિજ ખાતેના ઘરે બે દિવસથી આવ્યાં હતાં.શનિવારના રોજ માર્કેટયાર્ડમાં કામ અર્થે બંને ભાઇ ગયા હતાં. ત્યારે પરત ફરતા મુખ્ય દરવાજા પર હુમલો થયો હતો.4 વર્ષ અગાઉ કૌટુંબિક કારણમાં ભારે ઝગડો થયો હતો.જેમાં સામે પક્ષવાળા હારિજ ગામથી અન્ય સ્થળે રહેવા ગયા હતાં. જેઓએ બે વાર હારિજમાં રહેનાર પરિવાર પર હુમલો કરતાં આ ઘટનાનો કરુણ અંજામ આવ્યો છે.

બે હુમલાખોરો ઓળખ થઈ શોધખોળ ચાલુ : એસપી
જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના જણાવ્યા મુજબ અગાઉના કૌટુંબિક ઝગડામાં હાર્દિક બાબરભાઈ રબારી અને અનિલ અમરતભાઇ રબારી દ્વારા હુમલો કર્યા હોવાનું જાણવા મળતાં શકમંદ તરીકે બંને આરોપીઓ પર ફરીયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડવામાં આવશે. આ હુમલામાં ગન દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ છે.

સી.સી.ટીવી કેમેરામાં ફૂટેજ દેખાયા નહીં
યાર્ડના મુખ્ય દરવાજા પર ખૂની હુમલો થયો હોઇ દરવાજાની વચ્ચે આગળ પાછળ કેમેરા લગાવેલા હતાં પણ ઘટના દરવાજા વચ્ચે બની હોઇ કેમેરામાં કોઈ ફૂટેજ દેખાયા નથી.પોલીસ અન્ય કેમેરાની મદદથી કોણ કોણ શકમંદ અવર જવર કરી હતી તેનાં ફૂટેજ મેળવી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...