તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવાતી અમાસે અમૃત વેર્યું:હારિજમાં દોઢ, સરસ્વતીમાં અડધો ઈંચ વરસાદ

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમાં સોમવારે સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. - Divya Bhaskar
પાટણ શહેરમાં સોમવારે સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
  • વડગામના જલોત્રામાં 2 ઈંચ, વિજયનગરમાં એક અને ધાનેરામાં અડધો ઈંચ વરસાદ
  • સોમવારે પાટણમાં 8 મીમી, સિદ્ધપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો, પાંચ તાલુકા કોરાધાકોર રહ્યા

ઉત્તર ગુજરાતમાં સોમવાર સવારે વરસાદના વિરામ વચ્ચે ઉઘાડ નીકળ્યો હતો. જેને લઇ બપોર સુધીમાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. ભેજયુક્ત વાતાવરણ વચ્ચે ગરમી વધતાં અસહ્ય ઉકળાટનો કહેર વરસ્યો હતો. જોકે, સાંજના 4 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે 6 વાગ્યા સુધીમાં 11 તાલુકામાં હળવાથી 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામના જલોત્રામાં બે ઈંચ, પાટણ જિલ્લાના હારિજમાં દોઢ ઈંચ, વિજયનગરમાં એક ઇંચ તેમજ વડગામ, ધાનેરા, વડનગરમાં અડધો ઇંચ પડ્યો હતો. જ્યારે દાંતા, અમીરગઢ, મહેસાણા, પાલનપુર, ભિલોડા, દાંતીવાડા અને વડાલીમાં ઝાપટાં પડ્યાં હતાં.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમની અસરના કારણે સોમવાર સવારે કચ્છ ઉપર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાઇ હતી. જેના કારણે સોમવાર સાંજથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. દિવસભરના વિરામ બાદ સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ હારિજમાં દોઢ ઈંચ, સરસ્વતી તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત સિદ્ધપુરમાં નવ અને પાટણમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. ચાણસ્મા, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકા કોરાધાકોર રહ્યા હતા.

સાબરકાંઠાના વિજયનગરમાં સાૈથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત, વડગામના જલોત્રામાં બે ઈંચ અને ધાનેરામાં 15-15 મીમી, વડનગરમાં 10 મીમી, દાંતામાં 8 મીમી, અમીરગઢમાં 4 મીમી, મહેસાણા, પાલનપુર અને ભિલોડામાં 2-2 મીમી, દાંતીવાડા અને વડાલીમાં 1-1 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલના કારણે સાંજના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સોમવારે મોડી સાંજે મહેસાણા શહેર સહિત જિલ્લામાં છુટાંછવાયાં વરસાદી માહોલ સર્જાતાં ઝાપટાં નોંધાયાં હતાં.

આજથી ઉ.ગુ.ના 76%થી વધુ વિસ્તારમાં વરસાદ જામશે
હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમના કારણે મંગળવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડની શરૂ થશે. સોમવારની સ્થિતિએ 10 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના 76%થી વધુ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન પાંચેય જિલ્લામાં 2.5 મીમીથી માંડી 2.50 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે. જ્યારે તા.8 અને 9 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 2.50 ઇંચથી લઇ 4.62 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસી શકે છે.

હારિજ પંથકમાં વરસાદી ઝાપટાને લઈ કઠોળ પાકને પાણીની રાહત
હારિજમાં સોમવારે સમી સાંજે વરસાદી માહોલ સર્જાય બાદ ઝરમર અને વરસાદી ઝાપટું વરસતા તાલુકાના જમણપુર, તમ્બોડીયા, સૉંઢવ, જશોમાવ, દાંતરવાડા સહીત તાલુકામાં ખેડૂતોએ વાવેતર કરેલ દિવેલા, ઘાસચારો સહિત કઠોળ પાકને એક સપ્તાહની પાણીની રાહત થઈ હતી. છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતાં ખેડૂતો પરેશાન હતા ત્યારે સોમવતી અમાસની સાંજ મેઘરાજા મહેરબાન થતાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાવેતરમાં એક સપ્તાહ જેટલા સમય સુધી પીયત કરવામાં રાહત મળશે, જો કે અન્ય તાલુકાઓમાં સામાન્ય કે નહિવત વરસાદથી ખેડૂતો હજુપણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. સિદ્ધપુર અને પાટણમાં પણ વરસાદ થતાં એક પ્રકારે ખેડૂતોને રાહત થઈ છે.

બ.કાં.માં વરસાદ
જલોત્રામાં 2 ઇંચ, વડગામ અને ધાનેરામાં 15-15 મીમી, દાંતામાં 8, અમીરગઢમાં 4, પાલનપુરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...