શિક્ષકોનું સન્માન:શિક્ષક દિન નિમિત્તે પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી દીલિપકુમાર ઠાકોરના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અર્પણ કરાયા
  • સૌભાગ્યશાળી આત્માઓને જ શિક્ષક બનવાનો અવસર પ્રાપ્ત થાય છેઃ દીલિપકુમાર ઠાકોર

શિક્ષક દિન નિમિત્તે પાટણમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી દીલિપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં કન્વેન્શન હોલ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. જેમાં વર્ષ દરિયાન શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

શિક્ષક દિન નિમિત્તે ઉપસ્થિત સૌને સંબોધન કરતા કેબિનેટ મંત્રી દીલિપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષ 1964 થી મૂળ શિક્ષક અને પાછળથી ભારતના રાષ્ટ્રપતિ બનનારા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં દર વર્ષે શિક્ષક દિન ઉજવવામાં આવે છે. તેઓએ પોતાની બુધ્ધિશક્તિથી દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

શિક્ષણની નવી પધ્ધતિઓ અપનાવવાની જરૂર
જો સમાજને આગળ લાવવો હોય તો દરેક ઘરમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે. જેમ દેશને અનાજ ખેડૂત પૂરું પાડે છે, દેશની રક્ષા સૈનિક કરે છે એમ દેશની અંદર જન્મતા બાળકને માનવી બનાવવાનું કાર્ય શિક્ષક કરે છે. વર્તમાન ટેકનોલોજીના યુગમાં કોઇપણ બાળક શિક્ષણ વગર રહી જાય એ રાષ્ટ્રહિતમાં નથી. આજે શિક્ષણની જૂની પધ્ધતિઓમાંથી બહાર નીકળી નવી પધ્ધતિઓ અપનાવવાની જરૂર છે. જેમ પથ્થરની મૂર્તિને ઘડીને તેનું અનુષ્ઠાન કર્યા બાદ મંદિરમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ લોકોને તેમાં શ્રધ્ધા પેદા થાય છે. એજ રીતે બાળકને સંસ્કાર આપીને તેમાં શ્રધ્ધા ઉત્પન્ન કરવાનું કાર્ય શિક્ષક કરે છે.

સારું શિક્ષણ અને સંસ્કાર શિક્ષકો બાળકોને આપશે તો રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ
મંત્રીએ ઉમેર્યું કે, આઝાદીની ચળવળ સમયે અંગ્રેજો સામે નાગરિકોને એક કરવાનું કાર્ય પણ શિક્ષકોએ કર્યું હતું. જે લોકો ભાગ્યશાળી હોય એમને જ શિક્ષક બનવાનો અવસર સાંપડે છે. આજે જયારે ટેકનોલોજીના માધ્યમથી જ્ઞાન વધ્યું છે ત્યારે શિક્ષકોએ પણ સતત સમય સાથે કદમ મિલાવી આગળ વધવાનો અભિગમ કેળવવો જોઇએ. જો સારું શિક્ષણ અને સંસ્કાર શિક્ષકો બાળકોને આપશે તો રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના પાયામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ રહેલું છે.

પુર દરમિયાન શિક્ષકોએ કરેલા કાર્યને યાદ કરીને તેમને બિરદાવ્યાં
વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારે શિક્ષણના સ્તરને ઉંચા લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ થકી સરાહનીય પ્રયાસો કર્યા છે. આ પ્રસંગે મંત્રીએ વર્ષ 2017 માં આવેલ પૂર દરમિયાન અસરગ્રસ્ત ગામોમાં શિક્ષકોએ કરેલા નિષ્ઠાપૂર્ણ કાર્યને યાદ કરીને તેમને બિરદાવ્યાં હતા.

જીવનમાં સતત મનોમંથન કરતો રહે એ જ સાચો શિક્ષક
જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાએ આ પ્રસંગે જણાવ્યું કે, શિક્ષક દિનએ આત્મ-મંથન અને ચિંતનનો દિવસ છે. જેમ માતાનો ખોળો પ્રેમની યુનિવર્સિટી છે એમ શિક્ષકની હૂંક પણ બાળક માટે મહત્વની છે. જે જીવનમાં સતત મનોમંથન કરતો રહે એ જ સાચો શિક્ષક છે. શિક્ષક દિનની ઉજવણી એ રાષ્ટ્રના તમામ શિક્ષકોને ભાવાંજલિ છે.

આદર્શ શિક્ષક બનવાનો અવસર એટલે શિક્ષક દિન
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનમાંથી પ્રેરણા લઇ આદર્શ શિક્ષક બનવાનો અવસર એટલે શિક્ષક દિન, શિક્ષક બાળકને એક બીજમાંથી વટવૃક્ષ બનાવે છે. શિક્ષકનું કાર્ય સેવા, ભક્તિ અને રાષ્ટ્રપ્રેમથી ભરેલું છે. શિક્ષકો સદ્દવિચારોના વાહક છે અને કુમળા બાળમાનસને ઘડવાની જવાબદારી તેમની છે.

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ કરાયુ સન્માન
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં મંત્રી દીલિપકુમાર ઠાકોર અને મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લા કક્ષાએ 3 અને તાલુકા કક્ષાએ 8 શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને બેઝ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

શિક્ષક દિનના આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, શિક્ષણ સમિતિના ચેરમેન મેતુબેન રાજપૂત, જિલ્લા શિક્ષણાધિકારી જયરામભાઇ જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બિપીનભાઇ પટેલ તથા મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...