વેરા વસૂલાત:પાટણ પાલિકાએ પ્રથમ દિવસે 75 મિલકત ધારકો પાસેથી રૂ. 2.07 લાખ વેરો વસૂલ્યો

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 17.50 કરોડના વેરા વસૂલાત માટે 10 ટીમો દોડતી કરાઈ, 75 લોકોએ વ્યાજ બચાવ્યું
  • 75 મિલકત ધારકોએ​​​​​​​ વેરો ભરતાં રૂ. 17000 રિબેટ અપાયું, બાકીદારોને માર્ચના અંત સુધી વેરો ભરવા અપીલ

રાજ્ય સરકાર દ્વારા 100% વ્યાજ માફીની દરખાસ્ત મંજૂર કરતાં શુક્રવારથી પાટણ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં શહેરમાં 10 ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ દિવસે 75 મિલકત ધારકોએ તેમનો વેરો ભરપાઇ કર્યો હતો. રૂ. 207000 વેરો વસૂલ આવ્યો હતો.

સામે રૂ. 17000 રિબેટ આપવામાં આવ્યું હતું. અલગ અલગ વિસ્તારોમાં 10 લોકોની ટીમ દ્વારા 2200 આસપાસ મિલકત દારોનો સંપર્ક કરાયો છે. જેમાં લોકોને સમજાવતા વેરો ભરવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે. માર્ચ માસના અંત સુધીમાં જે મિલકત ધારકો બાકી વેરો ચુકવણી નહીં કરે તો પાણીના જોડાણ કાપી દેવામાં આવશે, તેમાં કોઇની શેહ-શરમ રખાશે નહીં તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વ્યાજ માફીની યોજના લાવી છે ત્યારે શહેરમાં એક પણ મિલકત ધારક બાકી ન રહે તે રીતનું ડોર ટુ ડોર સંપર્ક કામગીરી શરૂ કરી છે, જેમાં પાલિકાના 10 કર્મચારીઓની 10 ટીમો બનાવી છે.

પ્રત્યેક ટીમ દરરોજ 250 મિલકત ધારકોને રૂબરૂ મળીને તેમને શું ફાયદો થશે તે સમજાવશે. એક બે અઠવાડિયામાં તમામ વેરા બાકીદાર મિલકત ધારકોનો સંપર્ક થઈ જાય તેવું આયોજન છે જેમાં વેરા શાખાના કર્મચારીઓ સામેલ કરાયા છે. જરૂર પડશે તો વધુ ટીમો બનાવાશે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરા કલેકશન માટે જતા વાહનો મારફતે એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે.

5000થી વધુ વેરાની રકમ 11500ની બાકી
પાટણમાં ઘણી મોટી સંખ્યામાં વેરા બાકીદારો નોંધાયેલા છે, જેમાં રૂ. 5,000 થી વધારે વેરો બાકી હોય તેવા 11500 જેટલા કરદાતાઓ છે. પાલિકાને અંદાજે રૂ. 17.50 કરોડ કરવેરા ઉઘરાવવાના થાય છે.

અન્ય સમાચારો પણ છે...