તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે યુનિવર્સિટી ખાતે કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના માધ્યમથી લોકોમાં આઝીદી માટે દેશદાઝ પેદા કરી હતી: બળવંતસિંહ રાજપૂત

ગુજરાતના સુવિખ્યાત સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે પાટણ ખાતે હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન રમત ગમત, યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતિઓના વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યો અને ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

ભારતની આઝાદીમાં ગાંધીજી સાથે ખભે ખભો મિલાવી દેશની આઝાદીમાં બહૂમૂલ્ય યોગદાન આપનાર ઝવેરચંદ મેઘાણી વિશે બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આપણે સૌએ મેઘાણીજી દ્વારા રચિત દેશપ્રેમથી યુક્ત સાહિત્ય વાંચ્યું છે અને તેમાંથી દેશપ્રેમની પ્રેરણા મળે છે. આજે તેમની 125મી જન્મજયંતી નિમિત્તે રાજયભરમાં આ કાર્યક્રમનું આયોજન કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજય સરકારએ તેમને સાચી શ્રધ્ધાંજલિ પાઠવી છે.

આ કાર્યક્રમ દ્વારા વર્તમાન યુવા પેઢી મેઘાણીજીના યોગદાનથી પરિચિત થશે અને એમને પ્રેરણા મળશે. પ્રત્યેક ગુજરાતીને ઝવેરચંદ મેઘાણી માટે ગૌરવ છે. ગાંધીજીએ તેમની રાષ્ટ્રપ્રેમયુક્ત સાહિત્ય રચનાઓ જોઇ એમને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ આપ્યુ હતું.

બળવંતસિંહ રાજપૂતે ઉમેર્યું કે શ્રી ઝવેરચંદ મેઘાણી બાળપણથી જ દેશપ્રેમી અને સાહિત્યના ઉપાસક હતા. તેઓ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા હતા. તેમણે 100થી વધુ પુસ્તકોની રચના કરી છે. જેમાંથી મોટાભાગના પુસ્તકો સાહિત્ય જગતમાં સુવિખ્યાત છે. તેઓએ સાહિત્યના માધ્યમથી આઝાદીની ચળવળમાં લોક જાગૃતિનું કાર્ય હતું.

કસુંબીનો રંગ ઉત્સવમાં પાટણના નામાંકિત કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યો મન મોર બની જનગાટ કરે, શિવાજીનું હાલરડું, લાગ્યો કસુંબીનો રંગ જેવા વીરરસયુક્ત કાવ્યો પ્રસ્તુત કરીને ઉપસ્થિત શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે પાટણના આઠ સરકારી પુસ્તકાલયોમાં ઝવેરચંદ મેઘાણીના 75 પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ઝવેરચંદ મેઘાણીના જીવનની ઝાંખી કરાવતી ડોકયુમેન્ટ્રી ફિલ્મની રજૂઆત કરવામાં આવી હતી.

દેશભક્તિપૂર્ણ માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.જે.જે.વોરા, પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, પૂર્વ મંત્રી રણછોડભાઇ દેસાઇ, નિવાસી અધિક કલેકટર એન.ડી.પરમાર, મદદનીશ કલેકટર સચિનકુમાર, યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડી.એમ.પટેલ, પટેલ, રમત ગમત અધિકારી વિરેન્દ્ર પટેલ, અધિકારીઓ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...