ભૂખ હડતાળ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ બીજા દિવસે પણ યથાવત

પાટણએક મહિનો પહેલા
  • કુલપતિ દ્વારા કોઈ નિર્ણય ન કરતા વિદ્યાર્થીઓએ હડતાળ ચાલુ રાખી
  • પોલીસ દ્વારા યુનિવર્સિટીમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓ દ્વારા સેમેસ્ટર-1, 3 અને 5ની પરીક્ષાઓ ઓનલાઇન લેવા માટેની માંગ સાથે બુધવારથી ભૂખ હડતાળ પર બેઠા છે. ત્યારે આ મામલે ગુરુવારે પણ કુલપતિ દ્વારા કોઈ નિર્ણય કરવામાં ન આવતા એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓએ બીજા દિવસે પણ ભૂખ હડતાળ ચાલુ રાખી હતી અને ઓનલાઇન પરીક્ષા લેવાની માંગ કરી હતી.

પાટણ જિલ્લા એનએસયુઆઈએ વિદ્યાર્થીઓને સાથે રાખીને યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પરીક્ષાઓ ઓફલાઈન ના બદલે ઓનલાઇન લેવા માટેની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે યુનિવર્સિટી આ બાબતે કોઈ જ નિર્ણય ન કરતા એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓ દ્વારા બુધવાર 11:00થી યુનિવર્સિટીના વહીવટી ભવન પાસે જ ભૂખ હડતાળ ઉપર ઉતરી જઈ પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

બુધવારની રાત સુધીમાં કુલપતિ કોઈ નિર્ણય ન કરતા વિદ્યાર્થીઓ અને એનએસયુઆઇના કાર્યકરોએ કડકડતી ઠંડીમાં પણ યુનિવર્સિટીના વહીવટી ભવન પાસે ગાદલા બિછાવીને રાત ગુજારી ભૂખ હડતાળ ચાલુ રાખી હતી.

ગુરૂવારની સવારે પણ ભૂખ હડતાળ રાબેતા મુજબ ચાલુ રાખી હતી અને જ્યાં સુધી કુલપતિ દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવી જિલ્લા પ્રમુખ દાદુજી ઠાકોરે ચીમકી આપી હતી.

એનએસયુઆઈ ઉપરાંત 500 જેટલા વિદ્યાર્થીઓ આ આંદોલનમાં જોડાયેલા છે. ત્યારે બુધવાર આખો દિવસ અને રાત્રે કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વહીવટી ભવન બહાર ગાદલા બિછાવીને હડતાલ ચાલુ રાખી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે ગુરુવારના રોજ બપોરે દોઢ દિવસથી ભૂખ્યા રહેવાના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિજય પટેલ નામના વિદ્યાર્થી ની તબિયત લથડતા એનએસયુઆઈના કાર્યકરો તેને તુરંત પાટણની જનતા હોસ્પિટલમાં લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...