પાટણ શહેરનાં ચાણસ્મા હાઇવે ઉપર આવેલા અંબાજી નેળીયામાં પાટણ નગરપાલિકા દ્વારા રૂ.1.61 કરોડનાં ખર્ચે મંજૂર કરેલો ટ્રિમિક્ષ સી.સી. રોડ બનાવવાની તૈયારી ટુંક સમયમાં હાથ ધરાશે. ત્યારે પાટણ પાલિકાએ આ રોડ બને તે પૂર્વે આ સમગ્ર રોડ ઉપર આવેલા રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો કરનારાઓએ દુકાન કે ઘરનાં ઓટલા, પગથિયા, ઢાળ કે શેડ બનાવેલાં હોય તેને જે તે દબાણકારે રોડનાં બાંધકામમાં નડતરરૂપ થાય તેવા દબાણોને જાતે જ તોડી નાંખવા માટેની નોટિસો ફટકારી છે. આવા લગભગ 66 જેટલા દબાણકારોને નોટિસ ફટકારીને આ દબાણો જાતે દુર કરવા જણાવ્યું છે.
પાટણ પાલિકા ખાતે પ્રમુખ સ્મિતાબને પટેલ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલ, બાંધકામ ચેરમેન શાંતિબેન ગિરીશભાઇ પટેલ સહિતનાં પદાધિકારીઓએ ચર્ચા મંત્રણા કરી હતી. આ અંગે પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું કે, પાટણનાં અંબાજી નેળીયામાં સારથીનગરથી અંબાજી મંદિર સુધીનો વોલ ટુ વોલ ટ્રિમીક્ષ રોડ રૂ.1.61 કરોડનાં ખર્ચે મંજૂર કરાયો છે. જે રોડ ટૂંક સમયમાં હાથ ધરાવાનું છે, પરંતુ એ પહેલાં આ હાલનાં જર્જરીત રોડ ઉપરનાં રોડ, પગથિયાં, ઢાળ, ઓટલા દૂર કરવા જરૂરી જણાય છે.
આ માટે નગરપાલિકાએ 66 જેટલા દબાણોનો સર્વે કરીને તેને તોડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. દબાણ તૂટે એ પહેલાં તેઓને નોટિસો આપીને તેઓને જાતે અને જોખમે બે દિવસમાં દબાણ તોડવા જણાવી દેવાયું છે. જો તેઓ જાતે નહીં તોડે તો હવે પાટણ પાલિકા જે તે દબાણકારનાં ખર્ચે અને જોખમે આ દબાણ દૂર કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.