સાંતલપુર અભ્યારણ્ય નજીક શરૂ થયેલ કેમિકલ ફેકટરી સામે સ્થાનિક લોકોનો વિરોધ ઉઠતા ફેકટરી સંચાલકો દ્વારા વાહનોની અવરજવર માટે બનાવેલો ઊંચો માર્ગને લઈને વન્ય જીવો માટે જોખમ ઉભુ થયું હોવાના વિવાદ બાદ નિદ્રાધીન અભ્યારણ્ય વિભાગે રણમાં બનાવેલો માર્ગ દૂર કરવા કેમિકલ ફેકટરી સંચાલકોને નોટિસ ફટકારાઈ હતી.નોટિસ બાદ માર્ગ દૂર કરવાની કામગીરી ગુરુવારે શરૂ કરી હતી.
સાંતલપુર તાલુકાને અડીને આવેલ કચ્છનું નાનું રણ (અભ્યારણ ) અતિક્રમણ કારીઓ માટે સ્વર્ગ સમાન બની જવા પામ્યું છે. છેલ્લા એકાદ વરસથી અભ્યારણ્ય નજીક કેમિકલ ઉત્પાદન કરતી કેમિકલ ફેકટરીને ઔદ્યોગિક એકમના નેજા હેઠળ જિલ્લા કલેકટર દ્વારા શરતોને આધિન મંજૂરી આપેલ છે.
જ્યારે અભ્યારણ્ય નજીક શરૂ કરવામાં આવેલ આદિ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ સહિતની કેમિકલ ફેકટરીમાં વાહનોની અવરજવર માટે અભ્યારણ્યમાં પાંચેક ફૂટ ઊંચો માર્ગ બનાવ્યો હતો. લગભગ બે કિમી જેટલો માર્ગ બનાવવાની કામગીરી કરી ત્યારે અભ્યારણ્ય વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.
પરંતુ કેટલાક દિવસથી કેમિકલ ફેકટરી સામે સ્થાનિક લોકોનો વિરોધ ઉઠતા અભ્યારણ્યમાં માર્ગ બનાવ્યાનો મામલતદારના પંચનામામાં ઉલ્લેખ થતા અભ્યારણ્ય વિભાગ સફાળું જાગ્યું હતુ અને તમામ કેમિકલ ફેકટરી સંચાલકોને અભ્યારણ્યમાં બનાવેલો માર્ગ દૂર કરવા નોટિસ ફટકારી હતી.
નોટિસ મળતા માર્ગ દૂર કરવા કેમિકલ ફેકટરી સંચાલકો દ્વારા જેસીબી કામે લગાડયું હતુ.માત્ર 10 ફૂટ જેટલો તોડી જેસીબી રવાના થયું હતું. અભ્યારણ્યમાં ગેરકાયદે આવડો મોટો માર્ગ બન્યો તે સમયે તંત્રના નજરમાં કેમ આવ્યું નહીં અને હવે કામગીરી માટે માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો હોવાની વાતે જોર પકડ્યું છે. અભ્યારણમાં ફરજ બજાવતા વનપાલ વાગડીયાએ જણાવ્યું હતું કે રસ્તો દૂર કરવા નોટિસ આપી છે જ્યારે રણમાં ખાડા કર્યા હોય તો તેનો ખુલાસો ફેકટરી સંચાલકો પાસે માંગવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.