હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીની પરીક્ષામાં બીએસસીના બે અલગ અલગ વિષયમાં કુલ 229 છાત્રો વર્ગખંડમાં પુસ્તકમાંથી ઉત્તરવહીમાં એક જેવા જવાબો લખ્યા હોઇ મૂલ્યાંકન દરમિયાન નિરીક્ષકને માલુમ પડતાં ચોરી કર્યાનો ભાંડો ફૂટ્યો હતો. જેમાં માસ કોપી કેસ નોંધી તમામનાં પરિણામ સ્થગિત કરી કાર્યવાહી માટે પરીક્ષા સમિતિમાં રજૂ થતાં સમિતિએ બંને વર્ગખંડનાં સીસીટીવી ફૂટેજ મગાવ્યા છે. સુપરવાઇઝરોને નોટિસ ઇશ્યૂ કરી ખુલાસા પૂછાશે. તપાસ પૂર્ણ થતાં સજા અંગે નિર્ણય લેવામાં આવશે.
200 વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં એક સરખા જવાબ
યુનિવર્સિટીની 2021ની પરીક્ષામાં બીએસસી સેમ-2ના છાત્રોની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયની પરીક્ષામાં એક પરીક્ષા સેન્ટરના 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબ એક સરખા લખ્યા હતા. તેમજ બીજા એક સેન્ટરના બીએસસી સેમ 2ની ગણિત વિષયની પરીક્ષામાં 29 વિદ્યાર્થીઓએ એક જ જેવા ઉતરવહીમાં પ્રશ્નોના જવાબ લખ્યા હતા. ઉત્તરવહી મૂલ્યાંકન માટે નિરીક્ષકના હાથમાં જતાં ચકાસણી દરમિયાન એક જ જેવા પ્રશ્નોના જવાબ લખેલા હોઇ ચોરી કરાઇ હોવાનું માલુમ પડતાં પરીક્ષા વિભાગને જાણ કરતાં બંને વિષયમાં માસ કોપી કેસ નોંધાયા હતા.
ફરજ પરના સુપરવાઈઝરોને નોટિસ
બંને કેસ શનિવારે મળેલી પરીક્ષા સમિતિની બેઠકમાં મુકાયા હતા. જે મામલે સમિતિએ કાર્યવાહી કરવા કોપી કેસના છાત્રોના પરિણામ સ્થગિત કરી, વર્ગખંડના સીસીટીવી 7 દિવસમાં રજૂ કરવા સેન્ટરોને સૂચના આપી છે. તેમજ વર્ગખંડમાં ફરજ પરના સુપરવાઈઝરોને કારણદર્શક નોટિસ ઇશ્યૂ કરી ખુલાસો મગાવાયો છે. સમિતિની બેઠકમાં સમિતિ અધ્યક્ષ ઇસી સભ્ય હરેશ ચૌધરી, પરીક્ષા નિયામક, સભ્ય ડૉ. લલિત પટેલ સહિત પાંચ પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા.
પરીક્ષા સમિતિના નિર્ણય
ગેરરીતિ રોકવા ખાસ આયોજન કરીશું
પરીક્ષામાં વર્ગખંડમાં ઓબ્ઝર્વેશન કરતાં સુપરવાઇઝરની જવાબદારી છે કે વર્ગમાં ગેરરીતિ ના થાય. જ્યારે માસ કોપી કેસ સામે આવે ત્યારે સુપરવાઇઝર શંકાના દાયરામાં આવે છે. જેથી આગામી 27 એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવનાર સુપરવાઇઝરોને ગેરરીતિ ના થાય તે માટે કડક સૂચના આપવામાં આવશે. જો ગેરરીતિ કે માસ કોપી કેસ સામે આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સેન્ટરના સંચાલકો પણ પૂરી તકેદારી રાખે તે પ્રમાણેનું આયોજન કરાશે.- ડૉ. મિતુલ દેલિયા, પરીક્ષા નિયામક
હોમિયોપેથી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું પરિણામ રદ, વિદ્યાર્થિનીની ઈન્ટર્નશિપ લંબાવી
પરીક્ષા શુદ્ધિ સમિતિના અધ્યક્ષ હરેશ ચૌધરીએ જણાવ્યું કે, યુનિવર્સિટી સંલગ્ન એક હોમિયોપેથી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ત્રણ વર્ષથી નાપાસ થતો હોઇ, પાસ થવા માટે તેનું નામ મિલન હોવાથી સરખા નામનો દુરૂપયોગ કરી મિલન નામની તેની કોલેજની એક વિદ્યાર્થિનીને પ્રેક્ટિકલ પરીક્ષા આપવા માટે મોકલી હતી. પરંતુ નામ વિદ્યાર્થીનું હોઇ, વિદ્યાર્થિની પ્રેક્ટીકલ પરીક્ષા આપવા આવતાં પકડાઈ ગઈ હતી. જેમાં બંને સામે ગેરરીતિનો કેસ નોંધી વિદ્યાર્થીનું પરિણામ રદ કરાયું હતું. તેમજ પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થિનીની ઈન્ટર્નશિપ પૂર્ણ થઈ હોઇ વધુ ત્રણ માસ લંબાવી સજા કરી છે.
ગત વર્ષે નર્સિંગમાં માસ કોપીકેસ નોંધાયો હતો
યુનિવર્સિટીની ગત વર્ષની પરીક્ષામાં પણ નર્સિંગના 15 વિદ્યાર્થીઓએ ઉતરવહીમાં એક જ જેવું લખાણ લખ્યું હોવાનું બહાર આવતાં માસ કોપીકેસ નોંધાયો હતો. આ વર્ષે પણ ફરી પરીક્ષામાં બે માસ કોપી કેસ નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.