હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જુદીજુદી 322 જેટલી પરીક્ષાઓ લેવામાં આવે છે. ત્યારે આ વિદ્યાર્થીઓની પરીક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવતી ઉત્તરવહીઓ અને પુરવણીઓનું ટેન્ડર પુરૂ થઈ ગયું હોઈ યુનિવર્સિટી દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં યુનિ.માં આવેલા 6 ટેન્ડરમાંથી 4 ટેન્ડર ક્વોલિફાઈડ થયા હતા. ઉત્તરવહીની ખરીદીમાં એલ વનમાં આવેલા બિંદીયા એન્ટપ્રાઈઝ પીપળીયા, ખેડા પાસેથી એક ઉત્તરવહી રૂ.5.54ના ભાવે ખરીદવામાં આવશે જે ઉત્તરવહી 24 પેજની હશે અને સિલાઈવાળી અને સિક્યુરિટી નંબર સાથેની હશે.
પુરવણીની ખરીદીમાં એલ વનમાં આવનાર સાહિત્ય મુદ્રાલય પ્રાઈવેટ લિ. અમદાવાદ પાસેથી 4 પેજની એક પુરવઠી દીઠ 93 પૈસાના ભાવે ખરીદવામાં આવશે. જયારે ઉત્તરવહી પર લગાવવામાં આવતું સ્ટીકર એલ વનમાં આવનાર સૂર્યા ઓફીસેટ એન્ડ સિક્યુરિટી નામની એજન્સી પાસેથી એક સ્ટીકર 39 પૈસામાં ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ ટેન્ડર આગામી ત્રણ વર્ષ સુધી ચાલશે. જેમાં એજન્સીએ ટેન્ડરના ભાવ મુજબ યુનિ.ને ઉત્તરવહીઓ પુરવણીઓ અને સ્ટીકર પૂરા પાડવાના રહેશે. તેમ યુનિ.ના રજિસ્ટાર ડૉ.ચિરાગ પટેલે જણાવ્યું હતું.
ત્રણ વર્ષ અગાઉ જે ટેન્ડર કરાયા હતા. તેમાં એક ઉત્તરવહી રૂ.3.30માં ખરીદવામાં આવી હતી જ્યારે પુરવણી 45 થી 50 પૈસામાં ખરીદવામાં આવી હતી. જયારે સ્ટીકર 35થી 39 પૈસામાં ખરીદાઈ હતી. એક વર્ષમાં 30 લાખ ઉત્તરવહી અને 60 લાખ પુરવણીની જરૂરિયાત ઉભી થાય છે. આમ યુનિવર્સિટી ઉત્તરવહીઓ માટે રૂ.1,66,20,000 જયારે પૂરવણીઓ માટે રૂ.55,80,000 અને અંદાજે 30 લાખ જેટલા સ્ટીકર માટે રૂ.11,70,000 જેટલો ખર્ચ કરશે. યુનિવર્સિટીની ઉત્તરવહી અને પુરવણીઓની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી છે. ત્યારે આગઉના ભાવની સરખામણીએ નવા ભાવમાં યુનિવર્સિટી એક ઉત્તરવહી દીઠ રૂ.2.24 વધુ ચૂકવશે. જયારે પુરવણીમાં એક પુરવણી દીઠ 44 પૈસા વધુ ચૂકવશે આમ ગત વર્ષે કરતા રૂ.94 લાખ વધુ ખર્ચ થવાનો અંદાજ છે. ભાવ વધારા અંગે રજિસ્ટારએ જણાવ્યું હતું કે હાલમાં પેપરમાં થયેલા ભાવ વધારો તેમજ લેબર ખર્ચ ટ્રાન્સપોર્ટેશનમાં થયેલા વધારાને લઈ ભાવમાં સામાન્ય વધારો થયો છે. આ અંગે યુનિ.ના કુલપતિ ર્ડા રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે આ ખર્ચ પર અંકુશ આવે તેમ વિચારણા કરવામાં આવશે પરંતુ વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં કોઈ વધારાનો બોજ લગાવવામાં નહીં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.