પુસ્તક વિમોચન:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ઉત્તર ગુજરાતની રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પુસ્તકનું વિમોચન કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીના અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ-શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ યોજના અંતર્ગત વિમોચન કરાયું
  • ગુજરાતી ભાષા ભવન અને ભૌતિક વિજ્ઞાન ભવનની આગામી સમયમાં મંજૂરી આપી દેવામાં આવશેઃ મંત્રી કુબેરભાઈ ડીંડોર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ-શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ કાર્યક્રમમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદિય બાબતોના રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે ઉત્તર ગુજરાતની રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, આપણો ઈતિહાસ ભવ્ય અને દિવ્ય છે. આ પુસ્તકમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓના સ્વાતંત્ર્યવીરોનો ઈતિહાસ છે. આ જ રીતે રાજ્યના તમામ જિલ્લાઓના સ્વાતંત્ર્ય સેનાનીઓના આઝાદીની લડાઈમાં યોગદાન અંગે કામગીરી આગળ વધારી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સૌપ્રથમવાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

વધુમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, થોડા સમય અગાઉ ગુજરાતની 91 જેટલી યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવો સાથે બેઠક યોજી આવનારા સમયમાં નેશનલ એજ્યુકેશન પોલીસીની અમલવારી શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે. આજના સમયમાં ક્વોલિટી એજ્યુકેશન સૌથી મોટી જરૂરિયાત છે ત્યારે સમાનતા અને સુલભતા પર આધારિત ન્યુ એજ્યુકેશન પોલીસીના અમલથી નવા સંશોધનો આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ઉજાગર કરી શકાશે.

રાષ્ટ્રીય સેવા યોજના સાથે જોડાયેલા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને સમાજસેવાની ભાવના જગાડી તેમના વ્યક્તિત્વ અને દેશના વિકાસમાં યોગદાન આપવા જણાવ્યું હતું. સાથે જ ઉત્તર ગુજરાતના માનગઢ સહિતના સ્થળોએ થયેલા સ્વાતંત્ર્ય ચળવળના કિસ્સાઓ યાદ કરી શહિદો અને સ્વાતંત્ર્યવીરોને યાદ કર્યા હતા. આજના યુવાનો તેમના પૂર્વજોએ આપેલા બલિદાનના ઈતિહાસ જાણે તે માટે આ પુસ્તક ઉપયોગી બની રહેશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતી ભાષા ભવન તથા ભૌતિક વિજ્ઞાન ભવનની વર્ષો જુની માંગણી સંદર્ભે હાલ પ્રક્રિયા શરૂ કરી દઈ ગ્રાન્ટ-ઈન-એઈડ ભવનોની સ્થાપના અંગે મંજૂરી આપવામાં આવશે તેમ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું.

આ પુસ્તકના લેખક પ્રો.સી.ડી.મોદીએ પુસ્તક માટેના સંશોધનથી લઈ પ્રકાશન સુધીની વિગતો રજૂ કરી પુસ્તકના સંશોધન-પ્રકાશનમાં સહયોગ આપનાર પત્રકારઓ, સ્વાતંત્ર્યવીરો તથા તેમના પરિવારજનો અને પરિચિતોની સાથે સાથે સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે યુનિવર્સિટીના કુલપતિ પ્રો.જે.જે.વૉરાએ પ્રાસંગીક ઉદ્બોધન કરી ભાષાભવન અને ભૌતિક વિજ્ઞાન ભવનની માંગણીને પરિપૂર્ણ કરવા મંત્રીના પ્રયાસો બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, મહામંત્રી ભાવેશભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદાર-પદાધિકારીઓ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.ડી.એમ.પટેલ, સેનેટ સભ્યઓ તથા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યઓ તથા પ્રાધ્યાપકઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...