ભરશિયાળે પાટણ થયું પાણી પાણી:પાટણના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ યથાવત, રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા, સમી, સરસ્વતી અને સિદ્ધપુરમાં 2 ઈંચ વરસાદ

પાટણ19 દિવસ પહેલા
  • ખેડૂતોનો કપાસ, ઝાર, બાજરી, એરંડા સહિતનો પાક સંકટમાં મુકાયો
  • નીચાણ વાળા વિસ્તારો સહિત રેલવે ગરનાળામાં પાણી ભરાયા

અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે બુધવારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જેના કારણે ગુરૂવારે વહેલી સવારથી વરસાદી માહોલ બંધાયો હતો. જેને લઈ ગુરુવારે પાટણ જિલ્લામાં દિવસ દરમિયાન વરસાદ પડ્યો હતો. શુક્રવારે સવારથી બપોરના 4 વાગ્યા સુધીમાં સમીમાં 57 MM, સરસ્વતીમાં 53 MM, રાધનપુરમાં 32 MM, પાટણમાં 35 MM વરસાદ નોંધાયો હતો. સમી, સરસ્વતી અને સિદ્ધપુરમાં 2 ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
વરસાદની બે દિવસની આગાહીને પગલે શુક્રવારે પણ પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર સિદ્ધપુર, વારાહી, સરસ્વતી, ચાણસ્મા સહિત અનેક વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદના ઝાપટા શરૂ થયા હતા. ધોધમાર વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

ખેડૂતોમાં ચિંતાનો માહોલ
જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ શરૂ રહેતા ખેડૂતોનો કપાસ, જાર, બાજરી, એરંડા સહિતનો પાક સંકટમાં મુકાયો હતો, જેને કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા.

રેલવે ગરનાળામાં પાણી ભરાયા
પાટણમાં પડેલા વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારો સહિત રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પાટણ જિલ્લાના તાલુકાઓમાં શુક્રવારે પણ વરસાદ યથાવત રહ્યો હતો.

સમીમાં સૌથી વધુ વરસાદ
જિલ્લામાં સવારે 6થી બપોરે 4 વાગ્યા સુધી પડેલા વરસાદી આંકડા જોઈએ તો સમીમાં 57 MM, સરસ્વતીમાં 53 MM, રાધનપુરમાં 32 MM,પાટણમાં 35 MM, સાંતલપુરમાં 31MM, ચાણસ્માં 5 MM, સિદ્ધપુરમાં 5 MM અને હારીજમાં 5 MM વરસાદ નોંધાયો હતો.

રેલવે ગરનાળા પાસે ગાડી ફસાઈ
પાટણમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે પાટણ શહેરમાં રેલવે ગરનાળા પાસે વરસાદથી કાદવ કીચડ સર્જાયું હતું. જેમાં એક ગાડી ફસાઈ હતી. જેથી વાહન ચાલક પરેશાન થયો હતો. આ ઉપરાંત સિદ્ધપુર ચોકડીથી ટીબી ત્રણ રસ્તા પર શ્રમજીવી પાસે પાણી ભરાયા હતા. જેથી રાહદારીઓ મુસ્કેલીમાં મુકાયા હતા.

સરસ્વતીમાં બે દિવસમાં બે ઇંચથી વધુ વરસાદ
સરસ્વતી તાલુકામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેથી તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની હતી. બે દિવસ સુધી બે ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસતા શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સરસ્વતીમાં સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. કપાસ, બાજરી, જુવારના સુકાં પુળા પલળી ગયા હતા. તેમજ રાયડો અને બટાટાના વાવેતરમાં વરસાદી પાણી ભરાઇ જવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.

સરસ્વતી પંથકમાં શિયાળું ઋતુમાં શરૂ થયેલા બે દિવસથી કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી રવિ સિઝનમાં ખેતી પાકોને નુકસાન થયુ છે. રાઈ, રજકાને અને કાપણી કરેલા જુવારના પુળા પલળી ગયા હતા. જેથી વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. તેમ કિમ્બુવા ગામના પોપટજી ઠાકોરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...