પાટણની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કૉલેજ ધારપુર ખાતે પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહજી ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં આરોગ્ય મેળો યોજાયો હતો. જેમાં જિલ્લાના નાગરિકોને બીનચેપી રોગોના નિઃશુલ્ક નિદાન, સારવાર અને આરોગ્ય શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, પાયાની આરોગ્ય સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટેની સુદ્રઢ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સારવારના અભાવે એકપણ નાગરિક મૃત્યુ ન પામે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. સામાન્ય અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોને ઘરઆંગણે ઘનિષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
પ્રદેશ સંગઠનના પૂર્વ મહામંત્રીકે.સી.પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે, વિશ્વનેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જનસામાન્યના આરોગ્યની ચિંતા કરી મા અમૃતમ અને મા વાત્સલ્ય જેવી યોજનાઓ શરૂ કરી હતી.
પ્રચંડ બહુમત સાથે વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વિષયક યોજના આયુષ્માન ભારત દેશભરમાં અમલી બનાવી. જેના દ્વારા ગંભીર બિમારીઓની સારવાર માટે સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલ્સમાં રૂ.05 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવી છે. આજે સાંસદશ્રીના અનુદાનથી જિલ્લામાં એક જ સ્થળે નિદાન અને સારવાર ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય મેળાના આયોજન બદલ સાંસદનો આભાર વ્યક્ત કરૂં છું.
આરોગ્ય મેળો-2022 અંતર્ગત જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ધારપુર ખાતે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા બિનચેપી રોગોનું નિદાન, સમયસર રેફરલ અને મેનેજમેન્ટ, ડાયગ્નોસ્ટીક સર્વિસીસ અને આરોગ્ય શિક્ષણ નિઃશુલ્ક પુરૂ પાડવામાં આવ્યું હતું.
જનરલ હોસ્પિટલના કેમ્પસ ખાતે આરોગ્ય વિભાગના વિવિધ ઘટકો તથા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ કેળવાય તે માટે તૈયાર કરવામાં આવેલા સ્ટોલ્સ તથા હોસ્પિટલમાં આરોગ્ય મેળા અંતર્ગત કરવામાં આવેલી વ્યવસ્થાની સાંસદ ભરતસિંહજી ડાભી, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા સહિતના મહાનુભાવોએ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સાંકાજી ઠાકોર, આરોગ્ય સમિતિના ચેરમેન મનુજી ઠાકોર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ.આર્ય, ધારપુર મેડિકલ કૉલેજના ડીન ડૉ.યોગેશાનંદ ગોસ્વામી, તબીબી અધિક્ષક ડૉ.મનીષ રામાવત, આર.એમ.ઓ. ડૉ. હિતેશ ગોસાઈ સહિતના અધિકારીઓ, મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પાટણ શહેરની એમ એન હાઈસ્કૂલ ખાતે કુકિંગ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં શહેરના 13 સંચાલકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબરે ગોપાલ ભુવન સ્કૂલના પંડ્યા દેવિકાબેન નરોત્તમ ભાઈને મામલતદાર ચાર્મિબેન પટેલના હસ્તે 5 હજારનું ઇનામ આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.