ચૂંટણીના પડઘમ હવે ઘેરા બની ગયા છે. વધુમાં વધુ બેઠકો મેળવવા દરેક પક્ષ હાથપગ મારી રહ્યો છે. વિશ્વ ફલક પર પોતાના ઐતિહાસિક વારસા સાથે ચમકી રહેલી પાટણ વિધાનસભા બેઠક પર સત્તાનો કબજો કરવા રાજકીય પક્ષોએ ગતિવિધિઓ તેજ કરી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માંથી રાજુલા દેસાઈ તો બીજી બાજુ કોંગ્રેસ ના કિરીટ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.કિરીટ ભાઈ 2017 મા ચૂંટાયા અને ધારાસભ્ય બન્યા હતા જ્યારે બીજી બાજુ રાજુલબેન દેસાઈને ટિકિટ આપતા ભાજપમાં આયાતી ઉમેદવાર હોવાનો વિરોધ પણ થયો હતો.. પાટણ વિધાનસભા બેઠકમાં વર્ષોથી ઠાકોર અને પાટીદાર સમાજના મતદારોનો દબદબો રહ્યો છે. વર્તમાન ધારાસભ્ય પણ પાટીદાર સમાજના છે. 2002થી 2017 સુધી આ બેઠક પર પાટીદાર ઉમેદવારો વિજયી બન્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વારાફરતી રીતે જીતતા આવ્યા છે. જેમાં વર્ષ 1995માં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ગાંડાજી ઠાકોર વિજયી બન્યા હતા. શહેર સહિત પંથકના 110 ગામડાઓનો વિધાનસભા સીટમાં આવે છે.
પાટણ વિધાનસભા સીટનો મતદાતાઓ
પાટણ વિધાનસભા પર નજર કરીએ તો પાટણમાં અંદાજીત 1,56,595 પુરુષ, 146267 સ્ત્રી,સહિત કુલ 3,028,74 મતદારો નોંધાયેલા છે. જ્ઞાતિ મુજબ મતદારોનું સમીકરણ જોતાં પાટણ બેઠક ઉપર સૌથી વધુ ઠાકોર સમાજના 65 હજાર, 40 હજાર પટેલ, 30 હજાર દલિત, 22 હજાર માલધારી,17 હજાર મુસ્લિમ,14 હજાર પ્રજાપતિ,12 હજાર દેવીપૂજક સમાજના મતદારોનો સમાવેશ થાય છે.
પાટણ વિધાનસભા સીટનો ઇતિહાસ
2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આનંદીબેન પટેલને 49755 મત મળ્યા હતા. જ્યારે હરીફ કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ નાનાલાલ પટેલને 46173 મતો મળ્યા હતાં. 3582 મતે ભાજપના આનંદીબેન પટેલનો વિજય થયો હતો. જે બાદ આનંદીબેન પટેલ શિક્ષણપ્રધાન બન્યા. અને પછી બીજી વાર વર્ષ 2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસ્તારના મતદારોએ આનંદીબેન પટેલને મતો આપ્યા હતા. જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ નાનાલાલ પટેલ સામે આનંદીબેન પટેલનો 6004 મતે વિજય થયો હતો.
2022ની વિધાનસભા ચૂંટણીમાં બેઠકના મુદ્દા
મહેસાણામાંથી અલગ થઈ અસ્તિત્વમાં આવેલ પાટણ જિલ્લાના અને તાલુકામથક પાટણની ગણના પછાત તાલુકાઓ તરીકે થતી હતી. પરંતુ ધીમે-ધીમે વિવિધ કચેરીઓ, બહુમાળી ભવનો,ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પીટલ બનતા વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે હજુ પાટણ તાલુકો પછાત છે. જીઆઇડીસીની માંગણી, ખેતીવાડી માટે સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી છોડવાની માંગ ખેડૂતો દ્વારા અવારનવાર કરવામાં આવે છે. આ મુદ્દાઓ પણ વર્ષ 2022માં નિર્ણાયક ભૂમિક નિભાવવા પૂરતા બની શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.