પાટણ શહેરમાં જિલ્લા ફાયર સ્ટેશન બનાવવા માટે હાઈવે ઉપર નવા સર્કિટ હાઉસ પાસે જમીન પસંદ કરવાની વિચારણા ચાલી રહી છે અને આગામી દિવસોમાં ફાયર સ્ટેશન હાઈવે પર લઈ જવાશે પરંતુ શહેરના મધ્યમાં આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે અગાઉની માફક ફાયર સબ સ્ટેશન બનાવવાની જરૂર હોવાનો મત સૂત્રોએ વ્યક્ત કર્યો હતો.
શહેરમાં નગર પાલિકા સંકુલમાં ફાયર શાખાનું મકાન આવેલું છે જ્યાં ફાયર ફાઈટર તૈયાર રખાય છે. જિલ્લા ફાયર સ્ટેશન હાઈવે પર લઈ જવા માટે ગતિવિધિઓ ચાલી રહી છે આ માટે સ્થળ પસંદગી પણ લગભગ કરી દેવાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે રૂે.5 કરોડની ગ્રાન્ટ જિલ્લા ફાયર સ્ટેશન માટે ફાળવવાની જાહેરાત કરી હતી ત્યારે શહેરની અંદર પણ ફાયર પોઈન્ટ ચાલુ રાખવાની જરૂરિયાત દર્શાવાઈ રહી છે.
શહેરના અંદરના વિસ્તારમાં આકસ્મિક આગ ની ઘટના બનશે તો તાત્કાલિક અગ્નિશમન સેવા ન મળી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેને ધ્યાને લઇને નગરપાલિકા ખાતે અથવા બગવાડા દરવાજા આસપાસ ફાયર પોઈન્ટ ગોઠવવો જોઈએ તેવો મત નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી નીતિનભાઈ રામી એ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.