તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:પાટણ યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી એનસીસી અને ફાયર સેફટીનાં કોર્ષને પ્રાધાન્ય અપાયું

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે મળેલી યુનિવર્સિટી એકેડમી કાઉન્સિલની બેઠક નિર્ણય લેવાયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે બુધવારના રોજ કુલપતિ ડો.જે.જે.વોરાની અધ્યક્ષ સ્થાને મળેલી એકેડેમી કાઉન્સીલની બેઠકમાં નવા શૈક્ષણિક સત્રથી યુનિવર્સિટી દ્વારા એનસીસી અને ફાયર સેફટીનાં કોર્ષને પ્રાધાન્ય આપી શરૂ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી ખાતે મળેલી એકેડમી કાઉન્સિલની આ બેઠકમાં નવાં શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલા આ બે અભ્યાસ ક્રમોમાં ધો.-12 પછી પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા વિધાર્થીઓ પ્રવેશ મેળવી પગભર થઈ શકશે તેમ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રના શુભારંભે બુધવારના રોજ મળેલી એકેડેમી કાઉન્સીલની બેઠકમાં વિવિધ ફેકલ્ટીના ડીન, આચાર્યો અને અધ્યાપકો જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અંગે ઉત્કૃષ્ટ ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ બેઠકમાં એજન્ડા પરના 50 જેટલા કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં એન.સી.સી.નો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે અને સ્નાતક કક્ષાના દરેક અભ્યાસક્રમનાં દરેક વિષયોમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

આ કોર્ષથી વિદ્યાર્થીઓમાં શિસ્તના ગુણોનો વિકાસ થશે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા ફાયર સેફટીના કોર્ષને પણ નવા શૈક્ષણિક સત્રથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં ધો.-12 પાસ પછી વિદ્યાર્થીઓ આ કોર્ષમાં જોડાઈ શકશે.

આ કોર્ષ દ્વારા આગ લાગવાના બનાવો સામે કેવા પ્રકારના ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવા સહિતનું તમામ પ્રેકટીકલ જ્ઞાન શીખવવામાં આવશે. હાલમાં યુનિવર્સિટી સંલગ્ન બે કોલેજોને અભ્યાસક્રમો માટે મંજુરી આપવામાં આવી હોવાનું યુનિવર્સિટીનાં કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...