બેદરકાર તંત્ર:નેશનલ હાઇવે ઓથોરિટીનો નનૈયો, સાંતલપુર ગ્રામ પંચાયતે સ્વખર્ચે પાણીનો નિકાલ કરાવ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે બનાવ્યો ત્યારથી ગટર લાઇનનું નિરાકરણ નહીં આવતાં પરેશાની

નેશનલ હાઇવે જ્યારથી બનાવવામાં આવ્યો છે ત્યારથી સાંતલપુરમાં વરસાદી પાણી નિકાલની સમસ્યાનું નિરાકરણ લાવ્યું નથી. તેમજ ગ્રામ પંચાયત દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટીએ બેદરકારી દાખવી છે. અને ગટર સાફસફાઈ સહિતની કોઈ જ યોગ્ય કામગીરી નહિ કરતાં રવિવારે ખાબકેલા વરસાદથી સાંતલપુર બસ સ્ટેન્ડ નજીક પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના પગલે પ્રજાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નેશનલ હાઇવે દ્વારા ગટરની સાફ સફાઈ કરવામાં નહિ આવતા વરસાદ બંધ રહેવા છતાં બીજા દિવસે પણ પાણીનો નિકાલ નહીં થતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ હતી. તેમજ હાઇવે ઓથોરિટીની જવાબદારી હોવા છતાં હાઇવે ઓથોરિટીએ નિરસતા દાખવતા ગ્રામ પંચાયત દ્વારા જેસીબીથી પ્રજાને પડતી હાલાકી દૂર કરવા પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે હાઇવે ઓથોરિટી દ્વારા કામગીરી કરવામાં નહિ આવતા અને પાણી ભરાઈ જવાને કારણે દુકાનધારકો તેમજ સ્ટોલધારકો અને વાહનચાલકો ને હેરાનગતિ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ચોમાસા પહેલાં પણ રજૂઆત કરી હતી
સાંતલપુરના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાઈવેની ગટરમાં પાણી નીકળતું નહિ હોવાની અમે હાઇવે ઓથોરિટીને ચોમાસા પહેલા પણ રજૂઆત કરી હતી. કામગીરી નહિ થતા ગ્રામ પંચાયતે જેસીબી દ્વારા ગટરની સફાઈ કરાવી પાણી નિકાલ પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી કરવાની કામગીરી હાથ ધરી હતી. એમ મહેન્દ્રસિંહ જાડેજા,પૂર્વ તાલુકા પંચાયત સદસ્યએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...