આંતરરાષ્ટ્રીય મહિલા પખવાડિયા અંતર્ગત પાટણમાં નાબાર્ડ દ્વારા હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટનું પાટણની પાલિકા બજારની બાજુમાં આવેલા સંતોકબા હોલ ખાતે કરવામાં આવ્યું છે. આજથી બે દિવસ આયોજીત સાંસ્કૃતિક તથા આધુનિક હસ્તકલા ઉત્સવમાં ભરતકામ, મોતીકામ, માટીકામ, જ્વેલરી, કચ્છીકલા, બાંધણી, પેચવર્ક, ગૃહસુશોભનની અનેકવિધ ચીજવસ્તુઓ જોવા મળશે. આજરોજ હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટનું ઉદ્દઘાટન જિલ્લા કલેકટર સુપ્રિત સિંઘ ગુલાટીએ કર્યું હતુ, ત્યારબાદ દીપપ્રાગટય કરી હસ્તકલા પ્રદર્શનને જાહેરજનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.
જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, કલેકટર સુપ્રિતસીંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ, સંતોકબા હોલમાં બનાવેલ જુદા જુદાં સ્ટોલ જેવાં કે કચ્છી અજરખ, કચ્છી બાંધણી , કચ્છી મડવર્ક જેવાં સ્ટોલની મુલાકાત લીધી અને કારીગરો સાથે તેઓએ કરેલા બારીક વણાટ વિશે માહિતી મેળવી હતી.આ હસ્તકલા પ્રદર્શનમાં સ્વસહાય જૂથની સખી મંડળીઓના કુલ 10 જેટલા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા હાથેથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ સ્ટોલમાં હસ્તકલાની, બાંધણીની, વિવિધ પ્રકારના પાકીટ, મીનાકારીની આઇટમો, કોસ્મેટિક આઈટમ રાખવામાં આવી છે. હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે તેને સંલગ્ન સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. હાલમાં ભારત સરકાર મિલેટ વર્ષ 2023ની ઉજવણી કરી રહી છે. તેથી મિલેટ ધાન્ય માંથી બનતી વાનગીઓના સ્ટોલ પણ આજરોજ હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટમાં જોવા મળ્યા હતા.
હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેટર સુપ્રિત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જુદા જુદા કારીગરો દ્વારા સ્વસહાય મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમા કચ્છ, સુરેન્દ્રનગર, દક્ષિણ ગુજરાતમાંથી કારીગરો આવ્યા છે ત્યારે પાટણવાસીઓ આ પ્રદશનનો લાભ લે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષને ધ્યાનમાં રાખી અહી આવી મિલેટની બનેલ વાનગીઓ સ્વાદનો આનંદ ઉઠાવે. જિલ્લા કલેટરએ સ્વ સહાય જુથની મહિલાઓ પગભર થાય તે માટે સંતોકબા હોલની અવશ્ય મુલાકાત લેવા માટે પાટણની જનતાને આહવાન પણ કર્યું હતુ.
હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા કલેટર સુપ્રિત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી, નાબાર્ડ જિલ્લા વિકાસ અધિકારી રાકેશ વર્મા, LDM કુલદીપ ગહેલોત, ડૉ. રૂદ્રેશ ઝૂલા ઉપરાંત પાટણના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.