બનાસકાંઠા જિલ્લાના ભાજપના સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત અશ્લીલ વીડિયો અને તસવીરો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે સાંસદના પુત્ર શૈલેષ પટેલ દ્વારા કથિત અશ્લીલ વીડિયો મામલે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે. પોલીસ દ્વારા વીડિયો વાઈરલ કરનાર એક શખ્સને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે. થરાદ પોલીસે આ મામલે કાવતરા અને IT એક્ટ સહિતની કલમો હેઠલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એડિટીંગ કરી વીડિયો બનાવવામા આવ્યો છે- શૈલેષ પટેલ
સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, ઘણા સમયથી કથિત વિડીયો વાયરલ થયાના મેસેજ મઘાભાઈએ આપ્યા હતા અને એમને 15મી ઓગસ્ટના દિવસે વીડિયો વાયરલ કરવાનું કહ્યું હતું. ગઈકાલે જે વીડિયો વાયરલ થયો તે એડિટિંગ કરેલો વીડિયો છે, તદ્દન ખોટો વીડિયો છે તેના માટે અમે ફરિયાદ કરી છે. એમાં જે પણ આરોપી હશે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી પોલીસ પાસે અમારી વિનંતી છે. મારા પિતા પરબત પટેલ છેલ્લા 25 વર્ષથી રાજકારણમાં છે. તેમને બદનામ કરવાનો આ પ્રયાસ છે. તેમની પાસેથી પૈસાની પણ માગણી કરવામાં આવેલી. અમને વિશ્વાસ છે કે, પોલીસ તપાસમાં આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.ફરિયાદી શૈલેષ પટેલ
મુકેશ રાજપૂત નામના શખ્સે વીડિયો વાઈરલ કર્યો- પોલીસ
આ અંગે થરાદના Dysp પી.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે થરાદના પીલુડા ગામના સોશિયલ મીડિયાના ગ્રુપમાં મુકેશ રાજપુત નામના વ્યક્તિએ વીડિયો વાઈરલ કર્યો હતો. જેની પૂછપરછ ચાલુ છે. તેની વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળતા તેની અટકાયત કરવામાં આવશે. આ વીડિયો અંગે અગાઉ મઘાભાઈ પટેલે 15મી ઓગષ્ટના રોજ વાઈરલ કરવાની ચીમકી આપેલી તેમની પણ હાલમાં તપાસ ચાલુ છે.
હાલમાં એલસીબી તપાસ કરી રહી: Dysp ચૌધરી
Dysp ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, હાલમાં સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે પુરાવા પણ રજૂ કર્યાં છે. તેમની પાસે પૈસાની માંગણી અને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. હાલમાં આ વીડિયો અંગે મઘા પટેલ અને મુકેશ રાજપૂતના બે લોકોના નામ સામે આવ્યાં છે. તેમના મોબાઈલ ડેટા અને સોશિયલ મીડિયાના ડેટા ચેક કરી આગળ કોણ કોણ આરોપી જે આ વીડિયો વાઈરલ કરવામાં સામેલ છે. જેમની મુખ્ય ભૂમિકા છે એ બાબતે હાલમાં એલસીબી તપાસ કરી રહી છે. આ વીડિયો બાબતે એફ.એસ.એલ.ની મદદ લેવાની ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.