વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ:યુક્રેનમાં ફસાયેલા પાટણના વિદ્યાર્થીઓ પરત ફરતાં સાંસદે સમૂહમાં ભોજન લઇ ખુશી વ્યક્ત કરી

પાટણ5 મહિનો પહેલા
  • પરિવારજનોએ સરકાર અને પાટણ સાંસદનો આભાર વ્યક્ત કર્યો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના કારણે ભારતમાંથી અભ્યાસ અર્થે રશિયા અને યૂક્રેન ગયેલા વિદ્યાર્થીઓ સહિત કેટલાક ભારતીય નાગરિકો રશિયા અને યુક્રેનમાં ફસાયા છે. પાટણમાંથી યુક્રેન અને રશિયામાં અભ્યાસ અર્થે ગયેલા 12 વિદ્યાર્થીઓ પરત આવતાં સાંસદ ભરતસિંહ ડાભીનો આભાર વ્યક્ત કરવા અને યુક્રેન અને રશિયાથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે સાંસદનો વાર્તાલાપ અને સમૂહ ભોજનનું આયોજન શનિવારના રોજ પાટણ શહેરના નવાં સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું.

યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા યુદ્ધના પગલે પાટણ સહિત સમગ્ર જિલ્લા અને ઉત્તર ગુજરાતમાંથી અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેના કારણે તેઓના પરિવારજનોના જીવ પણ પડીકે બંધાયા હતા. સરકાર સમક્ષ પોતાના બાળકો સહી-સલામત ભારત પરત ફરે તે માટેની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા માંગ કરવામાં આવી હતી. ત્યારે પાટણના જાગૃત સાંસદ ભરતસિંહ ડાભીએ પણ પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના યુક્રેન અને રશિયામાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહી-સલામત પોતાના માદરે વતનમાં પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જેની ફલશ્રુતિ રૂપે મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના માદરે વતન પરત પહોંચતા વિધાર્થીઓનાં વાલીઓએ સાંસદનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો.

વાલીઓ અને વિદ્યાર્થીઓના આભારનો પ્રત્યુતર આપતા પાટણના સાંસદે જણાવ્યું હતું કે, પાટણ લોકસભાના દરેક નાગરિકની મદદ કરવીએ મારી નૈતિક ફરજ છે. તેઓએ સરકાર દ્વારા મિશન ગંગા અભિયાન અંતર્ગત યુક્રેન અને રશિયામાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારતમાં પરત લાવવા માટેની કરાયેલી કામગીરીને બિરદાવી હતી.

સાથે સાથે તેઓએ યુક્રેન અને રશિયાથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે ત્યાંની પરિસ્થિતિનો વાર્તાલાપ સાંભળી સહી સલામત વિદ્યાર્થીઓ પોતાના માદરે વતન પહોંચ્યાનો આનંદ વ્યક્ત કરી વિદ્યાર્થીઓ સાથે સમુહ ભોજન લઇ લોકસભા મતવિસ્તારના તમામ લોકોના સુખ-દુઃખમાં સહભાગી બનવાની પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...