ગુજકોમાસોલ ચૂંટણીમાં પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ સહકારી આગેવાને બળવો કરી ઉમેદવારી કરતાં જિલ્લા ભાજપ મોવડી મંડળે મનાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ સફળ થયું નથી. બળવોખોર ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો આપવાની સંમતિ આપી ન હતી. બીજીબાજુ આ ચૂંટણીમાં કેટલા મતદારો ભાજપના ઉમેદવાર સાથે છે તેની સ્થિતિ ચકાસવા માટે સર્કિટ હાઉસ ખાતે મીટીંગ બોલાવી હતી. જેમાં સમી,શંખેશ્વર વિસ્તારના મોટાભાગના મતદારો હાજર રહ્યા ન હતા. 28માંથી 17 મતદારો જ હાજર રહ્યા હતા.
ગુજકોમાસોલ ડિરેક્ટરની ચૂંટણીમાં પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્નેહલ પટેલ સામે તાલુકા ખરીદ વેચાણ સંઘ શંખેશ્વરના ચેરમેન ભાજપના જ રાજુભાઈ કટારિયાએ ઉમેદવારી નોંધાવતાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશ પટેલ, ઉમેદવાર સ્નેહલ પટેલ, વિનયસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી નાડોદા સમાજના રમેશભાઈ સિંધવ, ભરતભાઇ આર્ય, હારિજ માર્કેટયાર્ડના ચેરમેન ભગાભાઈ ચૌધરી સહિતના આગેવાનો રાજુભાઈ કટારિયાને મનાવવા તેમના વતન શંખેશ્વર તાલુકાના કુવારદ ગામે ગયા હતા. અને તેઓ ભાજપના ઉમેદવાર સાથે રહે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તે વાત સાથે રાજુભાઈ કટારીયા સંમત થયા ન હતા.
ભાજપના ઉમેદવાર સ્નેહલ પટેલને ટેકો આપવાની રાજુભાઈની સ્પષ્ટ ના
ઉમેદવાર રાજુભાઈ કટારિયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે ભાજપના આગેવાનો મળવા આવી રસ્તો કાઢવા પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ જતી રહી તેમ કહેતાં સમાધાન કરવા માટે કહ્યું હતું. પરંતુ સમાધાન તો કઈ રીતે કરવું છતાં ટેકેદારો અને મતદારોને પૂછીને રવિવાર સુધીમાં જવાબ આપવાનું કહ્યું છે. હું એકલો નિર્ણય ન લઇ શકું. પરંતુ ટેકો આપવાનો સમય જતો રહ્યો છે. હું પાર્ટીમાં જ છું. ચૂંટણી પછી પાર્ટી જે આદેશ કરશે તે શિરોમાન્ય રાખીશ.
સમી શંખેશ્વરના 7 મતદાર મિટિંગમાં ન આવ્યા
આ મામલે શુક્રવારે પાટણમાં નવા સર્કિટ હાઉસ ખાતે ઉમેદવાર સ્નેહલ પટેલની ઉપસ્થિતિમાં મીટીંગ થઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સહિત ભાજપના આગેવાનો અને અને ચૂંટણીમાં મતદારોને મીટિંગમાં બોલાવ્યા હતા. જેમાં 28 મતદારોમાંથી 17 મતદારો હાજર રહ્યા હતા. 3 મતદારો બહારગામ હોવાથી આવી શક્યા ન હતા. જ્યારે સમી, શંખેશ્વર વિસ્તારના 8 મતદારોમાંથી માત્ર એક જ મતદારની હાજરી હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.