કામગીરી:પાટણની હેડપોસ્ટ ઓફીસ ખાતે આ વર્ષે 11 મહિનાના સમયગાળા દરમિયાન 6 હજારથી વધુ પાસપોર્ટ કાઢવામાં આવ્યાં

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ હેડપોસ્ટ ઓફીસ ખાતે વર્ષ 2022માં 11 મહિનાના સમયગાળા દરમ્યાન કુલ 6340 અરજદારોના પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યાં છે. એટલે કે સરેરાશ માસીક 500 પાસપોર્ટની એવરેજથી હેડપોસ્ટ ઓફીસના પાસપોર્ટ સેવાકેન્દ્ર ખાતે અરજદારોના પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યાં છે.

ભારત સરકારના જાહેર ક્ષેત્રનાં પોસ્ટલ વિભાગ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં માન્યતા પ્રાપ્ત પાસપોર્ટ ઇસ્યુ કરવાની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવામાં આવી છે. અગાઉ કોઇપણ અરજદારને પાસપોર્ટ કઢાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. દેશના દરેક રાજયમાં પાસપોર્ટ ઇસ્યુ કરવા માટે માત્ર સરકારે નકકી કરેલા કેન્દ્રો પર જ પાસપોર્ટ-ઇસ્યુ કરવામાં આવતા હતા ત્યારે હાલમાં સરકારના પોસ્ટલ વિભાગમાં પાસપોર્ટ ઇસ્યુ કરવાની કામગીરી સરળ બનતાં અરજદારોને સરળતાથી પાસપોર્ટ મળી રહેશે.

વર્ષો પહેલા પાસપોર્ટ કઢાવવા માટે લોકોને અમદાવાદ અને પાલનપુર ખાતે જવું પડતું હતું જેને કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે અરજન્ટ પાસપોર્ટ મેળવવા માટે કેટલાક અરજદારોને ખાનગી એજન્ટોને વધુ પૈસા આપી પાસપોર્ટ કઢાવવાની ફરજ પડતી હતી ત્યારે સરકારના પોસ્ટ વિભાગ દ્વારા દરેક હેડ પોસ્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ સેવાકેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મથક પાટણ ખાતેની હેડપોસ્ટ ઓફીસ ખાતે 21 ડિસેમ્બર 2018ના રોજ પાસપોર્ટ સેવાકેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું હતું. જેને લઇ પાટણ જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના છેવાડાના સુધીના અરજદારો સરળતાથી પોતાના પાસપોર્ટ આ સેવા કેન્દ્રમાં સરળતાથી મેળવી રહ્યા છે.

વર્ષ 2022માં પાટણ હેડ પોસ્ટ ઓફીસે ઇસ્યુ કરેલા પાસપોર્ટની આંકડાકીય માહિતી જોઇએ તો જાન્યુઆરી 2022માં 425, ફેબ્રુઆરીમાં 400, માર્ચમાં 455, એપ્રિલ 408, મે - 558, જૂન-680, જુલાઇ - 624, ઓગસ્ટ-628, સપ્ટેમ્બર 797, ઓકટોબર 722, અને નવેમ્બર માસમાં અત્યાર સુધીમાં 640 પાસપોર્ટ ઇસ્યુ કરાયા છે.

નોંધનીય છે કે, પાટણ હેડપોસ્ટઓફીસના પાસપોર્ટ સેવાકેન્દ્ર ખાતે અગાઉ જે પણ અરજદારના પાસપોર્ટનો કોઇ કવેરી હોય કે પાસપોર્ટ ઇસ્યુ થવા માટે કયા કારણોસર તેમાં રૂકાવટ આવી છે તેની જાણકારી મેળવવા માટે હવે પાટણ હેડપોસ્ટ ઓફીસ ખાતે જ તેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી અરજદારોને પાસપોર્ટની કવેરી માટે સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...