કૃષિ:છ તાલુકાની 1 લાખ હેક્ટર જમીનમાં 33 %થી વધુ પાક નુકસાન

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર પંથકમાં પાક નુકસાન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જ્યાં ખેતરોમાં થયેલા નુકસાનની વિગતો એકઠી કરવામાં આવી હતી. - Divya Bhaskar
રાધનપુર પંથકમાં પાક નુકસાન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જ્યાં ખેતરોમાં થયેલા નુકસાનની વિગતો એકઠી કરવામાં આવી હતી.
  • રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને ચાણસ્માનો અસરગ્રસ્ત તાલુકામાં સમાવેશ
  • 283 ગામોમાં 70 % વિસ્તાર અસરગ્રસ્ત, 55000 ખેડૂતોની જમીનમાં સર્વે, સૌથી વધુ સમી અને ઓછુ ચાણસ્મામાં નુકસાન

ભારે વરસાદથી ખેતીપાકોને નુકશાન થતા સરકારે પ્રતિ હેક્ટર દીઠ રૂ. 10,000 સહાય જાહેર કરી છે. જેમાં પાટણ જિલ્લાના માત્ર છ તાલુકા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારીજ અને ચાણસ્મા તાલુકાનો સમાવેશ કરાયો છે. આ તાલુકાના ખેડૂતો સહાય માટે 1 ઓક્ટોબરથી ઇ-ગ્રામ માધ્યમથી વિસીઇ મારફતે સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે. જોકે આ છ તાલુકાઓમાં ખેતીવાડી તંત્રએ મોટાભાગનો સર્વે પૂર્ણ કરી દીધો છે. જેમાં એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોવાનો રિપોર્ટ તૈયાર થયો છે.

પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના 17 ગામો મળી કુલ 283 ગામોનો 1.44 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકશાન થતા અસરગ્રસ્ત બન્યો હતો. ખેતીવાડી તંત્રની ટીમોએ મોટાભાગના 1.35 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકશાનીનો સર્વે પૂર્ણ કરી દીધો છે. 55,000 ખેડૂતોની જમીનમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 1,02000 હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોવાનું સર્વેમાં સ્પષ્ટ થયું છે. જેમાં સૌથી વધુ સમી તાલુકામાં 29,434 હેક્ટર, શંખેશ્વર તાલુકામાં 20,000 હેક્ટર, રાધનપુર તાલુકામાં 18,100 હેકટર, હારિજ તાલુકામાં 11,200 હેક્ટર, સાંતલપુર તાલુકામાં 9,500 હેક્ટર અને ચાણસ્મા તાલુકામાં 4,146 હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે.

આમ છ તાલુકાના કુલ અસરગ્રસ્ત વિસ્તારના 70 ટકા વિસ્તાર માત્ર 33 ટકાથી વધુ નુકસાન થયું હોવાનો સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેવુ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં સારા પાકની આશા બંધાઈ હતી. જો કે વધારે વરસાદથી દિવેલા સહિત કઠોળ પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. વઢિયાર પંથકના ખેતરોમાં કેડ સમાં પાણી ભરાયાં હતાં. તો કેટલાક વિસ્તારના ખેડૂતોએ કપાસનો પાક ઉખાડી નાંખ્યો હતો. જ્યાં સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવાની જાહેરાત કરાતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.

31 ઓક્ટોબર સુધી સહાય માટે અરજી કરી શકાશે
ભારે વરસાદમાં પાકને નુકસાન થતા અસરગ્રસ્ત તાલુકાછ માં સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં સરકારે અસરગ્રસ્ત વિસ્તાર તરીકે છ તાલુકાનો સમાવેશ કર્યો છે. સહાય માટે ખેડૂતો 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઇ-ગ્રામ માધ્યમથી વીઇસી મારફતે અરજી કરી શકશે. અરજીની સાથે વાવેતરનો દાખલો, 7 12, 8અ ના ઉતારા, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથે અરજી કરવી પડશે. શૈલેષ પટેલ, (જિલ્લા ખેતીવાડી અધિકારી)

ત્રણ તાલુકાની બાદબાકી કરતા ખેડૂતોમાં રોષ
વરસાદથી પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં પાક નિષ્ફળ ગયો હોવા છતાં અસરગ્રસ્ત વિસ્તારમાં સમાવેશ ન કરતાં સરકાર સામે ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. ખેડૂતો નિષ્ફળ ગયેલો પાક બળીને સરકાર સામે દેખાવ કરી રહ્યા છે. તેમને પણ સહાય આપવા માટે માગ કરી છે. સરસ્વતી તાલુકાના કેટલાક ગામોમાં પાક સર્વે હાથ ન ધરાતાં ખેડૂતોએ ઉભો પાક કાપી નાંખી હોળી સળગાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી પાક સહાય આપવા માંગ કરી હતી. તો જિલ્લાના કેટલાક ગામોનાં ખે઼ડૂતોએ પણ પાક સહાયની માંગ સાથે પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જ્યાં સરકાર દ્વારા જાહેરાત ન કરાતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...