ઉનાળાના પ્રારંભે જ સરહદી વિસ્તારમાં પાણીની પારાયણ શરૂ થતાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. પીવાનું ચોખ્ખું પાણી નહીં મળતા છેવાડાના વીસથી વધુ ગામો નર્મદા કેનાલમાં રહેલ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જેના કારણે તાલુકામાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થવા પામી છે. બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી ટેન્કરો પણ શરૂ કરવામાં નહિ આવતા અને પીવાનું ચોખ્ખું પાણી પણ નહીં આવતા લોકોને ના છૂટકે કેનાલનું દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી પીવાનો વારો આવ્યો છે.
એક તરફ સરકાર દ્વારા બનાસકાંઠામાં દસ દિવસ કેનાલ ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી છે, બીજી તરફ પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તાર સાંતલપુર અને રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની કાગારોળ હોવા છતાં પાણી કેનાલમાં ચાલુ કરવામાં નહિ આવતાં સ્થિતિ વિકટ બનવા પામી છે. જેના કારણે સરહદી વિસ્તારની પ્રજા કેનાલનું દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બનવા પામી છે. સરહદી વિસ્તારમાં દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી પીવાના કારણે રોગચાળાની પણ દહેશત ફેલાવા પામી હતી જેના પગલે સરહદી પ્રજાને પીવાનું ચોખ્ખું પાણી આપવાની માંગ કરી રહી છે.
સાંતલપુર તાલુકાના વૌવા, મઢુત્રા, ઝઝામ, ફાંગલી, પાટણકા, સીધાડા, ડાલડી, જામવાળા, વર્ણોસરી, કીલાણા, વાવડી વગેરે ગામોમાં પીવાના દૂષિત પાણીની રાવ ઉઠવા પામી છે. તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અણદુભા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં કેનાલમાં આપવામાં આવતું પાણી ખરાબ છે. જે પીવાલાયક નથી લોકોમાં બીમારીઓની ફરિયાદો મળી રહી છે. ત્યારે આ વિસ્તારના લોકોને પીવાનું ચોખ્ખું પાણી આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આ વિસ્તારના લોકો પીવાના પાણી માટે જન આંદોલન છેડશે.
નર્મદાના અધિકારીએ જણાવાયું હતું કે હાલ માત્ર બનાસકાંઠા પૂરતી જ કેનાલ ચાલુ કરવાની સૂચના મળી છે. સાંતલપુર અને રાધનપુરમાં નર્મદા કેનાલ ચાલુ કરવાની કોઈ જ સૂચના મળી નથી. બીજી તરફ સરહદી વિસ્તારમાં જ કેનાલ પણ નથી ત્યાં હજુ સુધી ટેન્કર પણ શરૂ થયા નથી. આથી લોકોને પીવાનું ચોખ્ખું પાણી મેળવવું હોય તો રૂ. 700થી રૂ. 800 ખર્ચીને ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.