તંત્રની તૈયારીઓ:કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા પાટણ જિલ્લામાં 1600થી વધુ બેડની વ્યવસ્થા કરાઈ

પાટણ11 દિવસ પહેલા
  • જિલ્લામાં 20થી વધુ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા
  • યુનિવર્સિટીમાં ઓમિક્રોન વેરિઅન્ટ તપાસની લેબ તૈયાર થઈ રહી છે
  • સિદ્ધપુર અને રાધનપુર માં RT-PCR ટેસ્ટની લેબ તૈયાર કરાઈ રહી છે

પાટણ જિલ્લામાં કોરોના અને ઓમિક્રોનને લઇને આરોગ્ય વિભાગે આગવી તૈયારીઓ શરૂ કરી છે. પાટણ જિલ્લામાં ધારપુર મેડિકલ હોસ્પિટલ, પાટણ સિવિલ હોસ્પિટલ સહિત રાધનપુર, સિદ્ધપુર જનરલ હોસ્પિટલ અને તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની સારવાર મળી રહે તે માટે 1600થી વધુ બેડની વ્યવસ્થા કરવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં 20થી વધુ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરાયા છે, તો સ્ટાફને પણ ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. પાટણ જિલ્લા હાલમાં એક જ કોરોના પોઝિટિવ દર્દી છે જેની ઘરે જ સારવાર ચાલી રહી છે.

કોરોનાની બીજી લહેરમાં સરકાર મોટી બેદરકારી સામે આવી હતી. ત્યારે હવે ફરીથી આ ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે ત્રીજી લહેરની તૈયારીઓ માટે સરકાર સફાળી જાગી છે. કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સરકારે અત્યારથી કલેક્ટર પાસે આયોજન માગ્યું છે. તેના ભાગરૂપે કલેક્ટરના આદેશથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ધારપુર મેડિકલ હોસ્પિટલના મેનેજમેન્ટ, સિવિલ હોસ્પિટલ સહિત સીએસસી સેન્ટર દ્વારા તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જેમાં ધારપુર હોસ્પિટલમાં 125 આઇસીયુ બેડ અને 450 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

રાધનપુર ખાતે 240 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સિદ્ધપુરમાં 20 આઈસીયુ અને 184 ઓક્સિજન બેડ, કેન્સર હોસ્પિટલ સિદ્ધપુરમાં 100 બેડ, સિવિલ હોસ્પિટલ 6 આઈસીયુ બેડ અને 84 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ચાણસ્મા, લણવા, હારીજ, સમી, સાંતલપુર, વારાહી, જગરાલ, શંખેશ્વર અને કાકોશી એમ દરેક સીએચસી સેન્ટરમાં 50 ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. આમ જિલ્લામાં કુલ 1659 આઈસીયુ અને ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. તેવું આરોગ્ય અધિકારી ડો આર્યએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 20 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર છે. પાટણ જિલ્લામાં રોજનું 1400થી 1500 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો જિલ્લામાં 1800 ઓક્સિજન સીલીન્ડર છે અને 289 ઓક્સિજન કન્સનટેટર તૈયાર રાખવામાં આવ્યા છે.

કોરોનાના વધતા કેસોને લઈ રાધનપુર, સિદ્ધપુરમાં RT-PCR ટેસ્ટની લેબ તૈયાર કરવાનું કામ રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અને સિદ્ધપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તૈયાર થઈ રહી છે. તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિમાંના માઈક્રો બાયોલોજી વિભાગમાં પણ એમીક્રોન ટેસ્ટીગ માટે લેબ તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલા ડોક્ટર અને સ્ટાફની જરૂરિયાત રહે દવાઓની કેટલી જરૂરિયાત રહેશે તે તમામ બાબતે ઝીણવટ ભર્યું આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

આ અંગે ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.મનીષ રામાવતે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર માટે કલેક્ટરના આદેશથી તૈયારીઓના ભાગરૂપે આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં પ્રાથમિક તબક્કે કુલ 575 ઓક્સિજન બેડ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 બેડ આઇસીયુ અને 450 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. જેમાં બાળકો માટે 100 બેડનુ આયોજન કરવામાં આવ્યું છે. બેડ ઓક્સિજન ડોક્ટર સ્ટાફ દવાઓની જરૂરિયાત પ્રમાણે આયોજન કરી સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. આ મામલે કલેકટર સાથે પણ પરામર્શ કરવામાં આવી રહ્યો છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.એ આયૅએ જણાવ્યું હતું કે, ત્રીજી લહેરને ધ્યાને રાખી ધારપુર મેડિકલ હોસ્પિટલ સિદ્ધપુર જનરલ હોસ્પિટલ, રાધનપુર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 1000થી વધુ બેડની વ્યવસ્થા કરવાનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...